ગોહિલવાડમાં સતત બીજા દિવસે વરસાદ, 49ને બચાવાયા
જિલ્લામાં વધુ અડધોથી 4.25 ઇંચ વરસાદ, શાળા-કોલેજોમાં રજા
ગોહિલવાડ પંથકમાં વરસાદીમાં માહોલ જામી રહ્યો છે. જિલ્લાના ઉમરાળામાં પાંચ ઇંચ, વલભીપુર માં સવા ચાર ઇંચ, સિહોરમાં અઢી ઇંચ ,ભાવનગર શહેરમાં પોણો ઈંચ, ગારીયાધારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે સવારે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.
ચોમાસાના પ્રારંભથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહી છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના ઉમરાળા અને વલભીપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.
આજે સવારે 6 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 115, ઉમરાળામાં 121, ભાવનગર શહેરમાં 40, ઘોઘામાં સિહોરમાં 64, ગારીયાધાર માં 12 ,પાલીતાણામાં 4 અને તળાજા માં 4 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે શાળાઓ બંધ રહેશે.
ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર દ્વારા આજે બુધવારે ભાવનગર શહેરની તમામ શાળાઓ માં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં રજા રહેશે.
બીજી તરફ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ કુલ 49 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ડિઝાસ્ટર ટીમ, તાલુકા વહીવટીતંત્ર મહાનગરપાલીકાની ફાયરની ટીમ તેમજ નગરપાલિકા તળાજાની ફાયર ટીમ સતત ખડેપગે રહીને ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
જેમાં ઉમરાળાના ગોલરામા માંથી 20 લોકોને નગરપાલિકા તળાજા ફાયરની ટીમ, વલ્લભીપુરના ચમારડી માંથી 14 તેમજ વલ્લભીપુર શહેરમાંથી 2 અને સિહોરના ડંભાળીયા-પાલડી રોડ પાસે ફસાયેલ 9 અને મંગરાળામાંથી 4 લોકોને મહાનગરપાલિકા ભાવનગરની 2 ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાત્રીના સમયે શિહોરમાં પાલડી ડંભાળિયા રોડ પર 49 લોકો ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા જેમાંથી 40 લોકો પોતાની રીતે સલામત સ્થળે આવી ગયા હતા જ્યારે 9 લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ટીમ તેમજ એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.