રેલવે દ્વારા ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનો પ્રારંભ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC ) અભિયાન 4.0 ની શરૂૂઆત કરવામાં આવી છે. આ વિશેષ અભિયાનનો ઉદ્દેશ્ય પેન્શનરોને તેમના જીવન પ્રમાણપત્ર (Life Certificate ) ને ડિજિટલ માધ્યમથી સરળતાપૂર્વક અને સમયસર જમા કરાવવા માટે પ્રેરિત કરવાનો છે આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 4.0 તારીખ 01 નવેમ્બર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર મહિનામાં બેંકોમાં જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પેન્શનના સતત લાભ માટે આવશ્યક હોય છે. સામાન્ય રીતે વૃદ્ધ પેન્શનરો અને પારિવારિક પેન્શનરો માટે બેંક સુધી જઈને પ્રમાણપત્ર જમા કરાવવું એક થાકભરી અને મુશ્કેલ પ્રક્રિયા સાબિત થાય છે. આ જ પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજકોટ ડિવિઝને આ વિશેષ ડિજિટલ પહેલ શરૂૂ કરી છે, જેના માધ્યમથી પેન્શનર હવે ઘરે બેઠા જ પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે.
રાજકોટ ડિવિઝનમા કાર્મિક વિભાગના સંકલનથી એકાઉન્ટ્સ વિભાગ દ્વારા આખો નવેમ્બર મહિનો આ પૂર્ણકાલિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિવિધ સ્ટેશનો, કચેરીઓ અને બેંકોમાં સુવિધા શિબિર અને કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી પેન્શનરોને તેમના દસ્તાવેજો જમા કરાવવામાં કોઈ અસુવિધા ન થાય. અભિયાન હેઠળ બેંકોના શાખા મેનેજરો સાથે વિડિયો કોન્ફરન્સિંગ, સેમિનાર અને સૂચના શિબિરો આયોજિત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં અનેક સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પેન્શનરો ભાગ લઈ રહ્યા છે. હવે સુધીમા લગભગ 40 પેન્શનર/પારિવારિક પેન્શનર પોતાના જીવન પ્રમાણપત્રો ડિજિટલ માધ્યમથી જમા કરાવી ચૂક્યા છે.
