ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ ગયો, તંત્રની સતર્કતાથી દુર્ઘટના અટકી
ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઠેર ઠેર ભાર વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. આ વચ્ચે સદનસીબે પંચમહાલના ગોધરામાં એક ગંભીર રેલવે દુર્ઘટના ટળી છે. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું, પરંતુ લોકો પાઈલટની સમયસૂચકતા અને રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહીએ મોટી જાનહાનિ ટાળી. આ ઘટનાએ રેલવેની સતર્કતા અને કાર્યક્ષમતાને પ્રકાશમાં લાવી છે.
ગોધરાથી આણંદ જતી મેમુ ટ્રેનના લોકો પાઈલટને રેલવે ટ્રેકના ધોવાણની માહિતી મળતા જ તેણે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. આ નિર્ણયે સેંકડો મુસાફરોના જીવ બચાવ્યા હતાં. ટ્રેનને ટીંબા રેલવે સ્ટેશન પર લગભગ એક કલાક સુધી રોકી રાખવામાં આવી, આ ઝડપી નિર્ણય અને સંકલનથી એક મોટી દુર્ઘટના ટળી, જોકે અચાનક જ ટ્રેન રોકી દેવાથી મુસાફરોને ભારે મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો.
રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ ઝડપથી ટ્રેકનું સમારકામ હાથ ધર્યું અને એક કલાકની અંદર જ ટ્રેનનું સંચાલન ફરી શરૂૂ કરવામાં આવ્યું. આ દરમિયાન, ટ્રેનમાં સવાર મુસાફરોને થોડી અસુવિધા થઈ.