શાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડ
એન્જિનમાંથી લોકો પાયલોટ ફેકેલી પાણીની બોટલથી ઈજાના કારણે તરૂણનું મોત થયું હતું
શાપર-વેરાવળ નજીક રેલવે ટ્રેક પાસે ઉભેલા તરુણ ઉપર પાણીની બોટલ ફેંકતા તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી તરુણના મોત માટે જવાબદાર રેલવેના આસિસ્ટન્ટ લોકો પાયલોટની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ગત તા. 1-4-25ના રોજ બપોરના સમયે વેરાવળ બાંદરા ટ્રેન નં. 19218 શાપર-વેરાવળ માંથી પસાર થતી હતી ત્યારે રેલવેટ્રેક પાસે ઉભેલા સંતોષ ધનશાહ ગોડઠાકરનો 14 વર્ષનો પુત્ર બાદલ તેના મિત્ર સાથે શાપર વેરાવળના ઓમરીંગ કારખાના સામે આવેલ રેલવે ટ્રેક પાસે ઉભો હતો. ટ્રેનમાંથી કોઈએ પ્લાસ્ટિકની પાણીની બોટલ ફેંકતા બાદલના છાતીના ભાગે તે વાગી હતી અને ઈજા થવાથી તેનું મોત થયું હતું. આ મામલે શાપર-વેરાવળ પોલીસે તપાસ શરૂ કરી હતી. અત્યંત કઠિન આ બનાવમાં પોલીસે કારખાની બહાર લગાડેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ટ્રેનના એન્જિનમાંથી જ પાણીની બોટલ ફેંકાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા જેતલસર જંક્શન ખાતેની તપાસમાં ટ્રેન નંબર 19218 વેરાવળ બાંદરાના એન્જિનમાં લોકોપાયલોટ અને આસિ. લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા બન્નેની પુછપરછ કરતા આ મામલે જેતલસર રહેતા રેલવેના આસિ. લોકો પાયલોટ શિવરામ સુલતાનરામ ગોરજર ઉ.વ.31એ આ પાણીની બોટલફેંકી હોય અને જેના કારણે 14 વર્ષના બાદલનું મોત થયાનું સામે આવતા જવાબદાર આસિ. લોકો પાયલોટની શાપર-વેરાવળ પોલીસે ધરપકડ કરી છે. શાપર-વેરાવળ પોલીસમ થકના પીઆઈ આર.બી. રાણા સાથે પીએસઆઈ આર.ડી. સોલંકી એએસઆઈ વીરભદ્રસિંહ વાઘેલા, ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઈ ધાધલ, સહિતના સ્ટાફે આ બનાવ ભેદ ઉકેલવા કામગીરી કરી હતી.