સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની પાંચ પેઢીમાં દરોડા, 89.84 લાખનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ખાદ્યતેલની પાંચ પેઢીઓ પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં કુલ 4751 તેલના ડબ્બા સાથે રૂૂ. 89.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વેપારીઓ પાસે ખરીદ-વેચાણના બિલો નથી. સ્ટોક રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવ્યું નથી. દુકાનની બહાર ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી. વળી, દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે.
કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટવાળા 90 ડબ્બા મળી આવ્યા છે, જેની કિંમત રૂૂ. 1.79 લાખ છે. જપ્ત કરાયેલા વેપારીઓમાં વરલાણી મહેશકુમાર કનૈયાલાલના 1139 ડબ્બા (રૂૂ. 20.93 લાખ), હિમાંશુ પારેખના 604 ડબ્બા (રૂૂ. 10.70 લાખ), ગૌરવ વોરાના 464 ડબ્બા (રૂૂ. 9.43 લાખ), પંકજ કોટકના 211 ડબ્બા (રૂૂ. 4.43 લાખ) અને ચેલારામ મહેશ્વરીના 2333 ડબ્બા (રૂૂ. 44.35 લાખ)નો સમાવેશ થાય છે.
વેપારીઓએ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપાર નિયમનનો ભંગ કર્યો છે. ઉપરાંત, ભારત સરકારના નિયમ મુજબ દર શુક્રવારે ખાદ્યતેલ રજિસ્ટ્રેશન રજૂ કરવાનું હોય છે, જે પણ કર્યું નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના નમૂના ભેળસેળની તપાસ માટે લેવામાં આવ્યા છે.