વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડા
જામનગર જિલ્લા તેમજ કલ્યાણપુર ઓખા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગઈ કાલે બુધવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રખાઈ હતી, અને વધુ 52.15 લાખની વિજ ચોરી પકડી લેવાઈ છે. માત્ર ત્રણ દિવસના સમયગાળામાંજ પોણા બે કરોડથી વધુ ની વિજ ચોરી પકડી લેવાઇ છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે સવારે સતત ત્રિજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું.
સાથો સાથ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કુલ 37 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 10 નિવૃત આર્મી મેન અને 27 લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ 439 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 68 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 52.15 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર 3 દિવસ દરમિયાન પોણા બે કરોડ થી વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.