થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, 15 કૂવા પરથી 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સરકારી સર્વે નંબર 356 તેમજ ખાનગી સર્વે નંબર 358, 357, 359 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા 15 કુવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન, 120 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી અને 15 બકેટ સહિત કુલ રૂૂ. 10,80,000 (દસ લાખ એંશી હજાર)નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલને મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ગેરકાયદેસર કોલસાનું ખોદકામ કરનારા ઈસમોમાં જીવણભાઈ હામાભાઈ ભરવાડ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ, અમરશીભાઈ સવજીભાઈ, ગોરધનભાઈ સવશીભાઈ (તમામ રહે. ખાખરાળી, થાનગઢ), સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુભાઈ ભરવાડ (બંને રહે. થાનગઢ) નો સમાવેશ થાય છે.
આ તમામ ઈસમો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂૂલ્સ, 2017) હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવી છે.
આજુબાજુના વિસ્તારમાં કુલ 7 કોલોનીમાં 79 ઝૂંપડાઓ (મજૂરોના) જોવા મળ્યા હતા. જેમાં મધ્યપ્રદેશ અને દાહોદના પરપ્રાંતીય મજૂરો રહેતા હતા. તેમને આવી જોખમી કામગીરી ન કરવા સમજાવીને રવાના કરવામાં આવ્યા હતા.