રાજકોટ-જૂનાગઢ-ભાવનગર સહિત 14 સ્થળે કોપરની પેઢીઓ પર દરોડા
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી તથા આનુસાંગિક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે આવેલા 14 કોપરની પેઢીઓને ત્યાં તા. 11/11/2024ના રોજ સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આવ્યુ હતુ કે આવી પેઢીઓ દ્વારા કોપરનું મોટા પાયે બોગસ બિલીંગ કરી કરચોરી કરવામાં આવી છે.
ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-132 (1) (સી) હેઠળ ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝમાં પેઢીના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની સ્પષ્ટ સંડોવણી જણાતા સુરત ખાતેથી વધુ ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારું ધરપકડ કરવામાં આવી છે. આ પેઢી દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 19.46 કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરતની કોર્ટ દ્વારા આરોપીને તા. 16/11/2024ની બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસો દરમિયાન 4 પેઢીઓ બોગસ જણાઇ આવી છે. કુલ રૂૂપિયા 48 કરોડથી વધુની કરચોરી ઉજાગર થઇ છે. સરકારી વેશના હિતમાં 1.90 કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવી છે તથા 22.98 કરોડની રકમનું એટેચમેન્ટ કર્યું છે. તપાસની કાર્યવાહીને અંતે ઘટીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.