ભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગી
શહેર-જિલ્લા ભાજપ કાર્યાલયે ફોર્મ ભરવા ધસારો, સોમ-મંગળ સંકલનની બેઠકમાં થશે નક્કી
વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે ખાસ કિસ્સામાં 45 વર્ષ માન્ય, બે ટર્મ સક્રિય સભ્ય હોવા ફરજિયાત
ગુજરાતમાં ભાજપ સંગઠનની ચૂંટણીઓનો આજથી પ્રારંભ થયો છે અને આજથી તાલુકા તથા વોર્ડ પ્રમુખોના ફોર્મ ભરવાનું શરૂ થતાં રાજકોટ શહેર અને જિલ્લામાં વોર્ડ પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારોએ લાઈનો લગાડી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે તમામ વોર્ડના પ્રમુખો માટે ફોર્મ ભરવાનું શરૂ કરાયું છે. ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખો માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવતી કાલ સુધી હજી ફોર્મ ભરવાનું ચાલુ રહેનાર છે. ત્યારે શહેરમાં વોર્ડ દીઠ સરેરાશ 8થી 10 અને તાલુકામાં પ્રમુખ પદ માટે 4થી 5 દાવેદારો તૈયાર થયાનું જાણવા મળેલ છે.
આવતી કાલ તા. 7 સુધીમાં પ્રમુખ પદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંકલન સમિતિની બેઠક મળશે અને તેમાં ભરાયેલા ફોર્મની સ્કૂટીની કરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલ ક્રાઈટ એરિયામાં આવતા ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવશે. પ્રદેશ દ્વારા મંડલ (વોર્ડ અને તાલુકા) પ્રમુખ પદ માટે 40 વર્ષ અને ખાસ કિસ્સામાં 45 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમજ જે દાવેદાર બે ટર્મ સુધી ભાજપના સક્રિય સભ્ય રહ્યા હોય તેમના જ ફોર્મ માન્ય રાખવામાં આવશે.
પ્રદેશ ભાજપ દ્વારા નિયત કરાયેલા ચૂંટણી અધિકારીઓ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તા. 9 અને 10 દરમિયાન પ્રમુખ પદ માટે ફોર્મ ભરનાર ઉમેદવારો અંગે કાર્યકરો પાસેથી સેન્સ લેશે અને તેમના અભિપ્રાયો નોંધ્યા બાદ સંકલ સમિતિની બેઠક યોજાશે તેમાં વોર્ડ અને તાલુકા વાઈઝ આવેલા ફોર્મ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ ચૂંટણી અધિકારી દ્વારા પ્રદેશ ભાજપમાં રિપોર્ટ કરવામાં આવશે અને તા. 15 ડિસેમ્બર પહેલા નવા વોર્ડ તેમજ તાલુકા ભાજપ પ્રમુખોના નામ પ્રદેશ કક્ષાએથી જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટ શહેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણી તથા સહ ચૂંટણી અધિકારી મુકેશભાઈ લાંગરિયા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ ઠાકુર અને રાઠોડની હાજરીમાં આજે સવારથી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આવતી કાલ સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. તેમ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું છે.