For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્માષ્ટમીની રજાઓ પૂર્ણ થતાં જ સોમવારથી પ્રાથમિક શાળાઓમાં ત્રિમાસિક કસોટીનો પ્રારંભ

03:42 PM Aug 14, 2025 IST | Bhumika
જન્માષ્ટમીની રજાઓ પૂર્ણ થતાં જ સોમવારથી પ્રાથમિક શાળાઓમાં ત્રિમાસિક કસોટીનો પ્રારંભ

મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો માટે રચેલી ટાસ્કફોર્સ કમિટીની ભલામણો બાદ નિર્ણય લેવાયો: 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિ લાગુ કરાશે

Advertisement

પ્રાથમિક શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો માટે સરકારે રચેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ સરકારે ધોરણ 3થી 8ની પરીક્ષા-પરિણામ-મૂલ્યાંકન પદ્ધતિઓમાં ફેરફાર કર્યો છે. જેમાં એકમ (પખવાડીક) કસોટીઓની પદ્ધતિ રદ કરી દેવાઈ છે અને હવે આ વર્ષથી ત્રિમાસિક કસોટી પદ્ધતિ દાખલ કરાઈ છે. જેમાં પ્રથમ ત્રિમાસિક કસોટી 18મી ઓગસ્ટથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં એક સાથે શરૂૂ કરવામા આવશે. જ્યારે પ્રથમ સત્રાંત એટલે છ માસિક પરીક્ષાની તારીખો-ટાઈમ ટેબલ પણ જીસીઈઆરટી દ્વારા જાહેર કરાયુ છે. જે મુજબ પ્રથમ સત્રાંત પરીક્ષા છઠ્ઠી ઓક્ટોબરથી લેવાશે.

સરકારે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી 8ના શિક્ષણમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. જેમાં હવે 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે જીસીઈઆરટી દ્વારા નવી પરીક્ષા-મૂલ્યાંકન પદ્ધતિ પણ જાહેર કરાયા છે. ધોરણ 3થી 8માં એકમ કસોટી પદ્ધતિ રદ કરીને હવે તેના સ્થાને ત્રિમાસિક કસોટી લાગુ કરાઈ છે.

Advertisement

જમાં પ્રથમ ત્રિમાસિક કસોટી તમામ સ્કૂલોમાં એકસાથે 18થી 30મી ઓગસ્ટ દરમિયાન લેવાશે અને જેમાં દરેક વિષયની એક કસોટી 40 માર્કસની લેવાની રહેશે. જેનું ટાઈમટેબલ સ્કૂલો પોતાની રીતે નક્કી કરી શકશે. સ્કૂલોએ હવે દરેક સત્રમાં 15 દિવસના સમય ગાળામાં દરેક વિષયની 40-40 ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
આ પ્રથમ ત્રિમાસિક કસોટી માટે 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ત્રિમાસિક કસોટીના માર્કસ હવે ફાઈનલ પરિણામમાં પણ ઉમેરાશે. સરકારે પ્રાથમિક શિક્ષણમાં ફેરફારો કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ સાથે બોધાત્મક ભાવનાત્મક અને મનોગામિક ક્ષેત્રોની સિદ્ધિઓને પણ ધ્યાને લેવા સર્વાંગી વિકાસ સાથે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-એચપીસી તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યુ છે. જેમાં શિક્ષકનું, સહપાઠીનું, વિદ્યાર્થીનું પોતાનું અને વાલીનું એમ ચારેયનું મૂલ્યાંકન હશે.

અગાઉ એકમ કસોટીઓના માર્કસ ફાઈનલ પરિણામમાં ઉમેરાતા ન હતા, પરંતુ હવે ત્રિમાસિક કસોટીના માર્કસ સત્રાંત-વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઉમેરાશે અને અંતિમ પરિણામમાં દર્શાવાશે. કુલ 200 માર્કસના આધારે પરિણામ તૈયાર કરાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામા આવ્યો છે. જે મુજબ છઠ્ઠી ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરમ 3થી 8માં એક સાથે તમામ સ્કૂલોમાં લેવાશે. સરકારી સ્કૂલો માટે કોમન પ્રશ્નપત્ર રહેશે. ધોરણ 3થી 5માં 40 માર્કસની અને ધોરણ 6થી 8માં 80 માર્કસની આ પરીક્ષા રહેશે. આમ હવે ધોરણ 9થી 12ની જેમ ધોરણ 3થી 8માં પણ પ્રથમ સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ જ લેવાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement