રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ
ધો.1થી 5માં 60 અને ધો.6થી 8માં 80 ગુણની કસોટી રહેશે
પ્રાથમિક શાળાઓમાં આ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં નવો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યોજાતી એકમ કસોટીની જગ્યાએ હવે ત્રિમાસિક કસોટી લેવામાં આવશે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર આ પગલું વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ પ્રભાવશાળી બનાવવા અને તેમને સર્વાંગી રીતે કુશળ બનાવવાના હેતુથી ભરાયું છે.નવી પદ્ધતિ અનુસાર વર્ષ દરમ્યાન કુલ ચાર મુખ્ય પરીક્ષાઓ લેવાશે.
તેમાં પ્રથમ કસોટી, બીજી અર્ધવાર્ષિક પરીક્ષા, ત્રીજી કસોટી અને ચોથી વાર્ષિક પરીક્ષા સામેલ છે. આથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરેલા પાઠયક્રમનું પૂરેપૂરું પુનરાવર્તન કરવાની તક મળશે અને પરિણામે તેઓ વિષયોને સારી રીતે સમજી શકશે. પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન થશે જ્યારે બીજા સત્રમાં સત્રાંત મૂલ્યાંકન હાથ ધરાશે. રચનાત્મક મૂલ્યાંકન ત્રણ સ્તરે કરવામાં આવશે - મૌખિક, ક્રિયાત્મક અને લેખિત. ધોરણ 1 થી 5માં 60 ગુણની સત્રાંત કસોટી લેવામાં આવશે, જ્યારે ધોરણ 6 થી 8 માટે 80 ગુણની સત્રાંત પરીક્ષા રહેશે.
નવી પદ્ધતિનો વધુ એક મહત્વપૂર્ણ પાસો એ છે કે હવે દરેક વિદ્યાર્થી માટે હોલિસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ કાર્ડમાં માત્ર શૈક્ષણિક પરિણામ જ નહીં પરંતુ વિદ્યાર્થીની પ્રતિભા, શિસ્ત, વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગિતા અને સર્વાંગી વિકાસનો સમાવેશ કરવામાં આવશે.આ નિર્ણયથી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વધુ સરળ તેમજ પ્રેરણાદાયી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.