ધોરાજીમાંથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો : એકની ધરપકડ
રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે ત્યારે બીજી બાજુ નશાકારક સીરપના ધંધાર્થીઓ પણ બેરોકટોક વેપલો કરી રહ્યા છે. જ્યારે ગઈકાલે એસઓજીને મલેલી ચોક્કસ માહિતીના આધારે ધોરાજીમાંથી નશાકારક સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે જસદણના કાળાસર ગામે 256 બોટલ વિદેશી દારૂ અને 48 નંગ બીયરના ટીન મળી આવ્યા હતાં.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રૂરલ એસઓજીને મળેલી ચોક્કસ માહિતીના આધારે ધોરાજી વોકળા કાંઠે રહેતા સફી સલીમભાઈ ઢીબ ઉ.વ.28ના ઘરે દરોડો પાડી તપાસ કરતા રૂા. 6650ના કિંમતની 38 બોટલ નશાકારક સીરપ મળી આવતા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી અને સીરપનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે તપાસ હાથ ધરી છે.
જસદણના કાળાસર ગામે પોલીસે બે સ્થળે દરોડા પાડી 256 બોટલ વિદેશી દારૂ અને 48 બિયરના ટીન કબ્જે કર્યા હતાં જેમાં લલીત ઉર્ફે સાંગો સામજીભાઈ વાસાણીના ઘરેથી 85,200ની કિંમતના વિદેશી દારૂ અને 4,800ની કિંમતનો બિયર મળી કુલ 90 હજારનો મુદદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં વિશાલ સામજીભાઈ વાસાણીની વાડીમાંથી 44 બોટલ વિદેશી દારૂ મળી આવતા કુલ 1,11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા બન્ને આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.