મોંઘા ભાવના ફલેટ-મકાનની ખરીદી ધીમી પડી
શહેર અને જિલ્લામાં એપ્રીલ કરતા મે મહિનામાં 1539 દસ્તાવેજ વધુ નોંધાયા પણ સરકારને આવકમાં 7.81 કરોડનો ઘટાડો
આર્થિક બાબતે લોકોની ખરીદ શકિત ઘટી રહી છે. તેની સીધી અસર દસ્તાવેજ નોંધણીમા જોવા મળી છે. હાલ રિયલ એસ્ટેટમા ફકત જરૂરીયાત હોય તેવા લોકો જ ખરીદી કરતા હોય મર્યાદિત માંગ છે. રાજકોટ શહેર અને જિલ્લાની અલગ અલગ 18 જેટલી સબ રજીસ્ટર ઓફીસમા મે મહીનાની આવકમા એપ્રિલ કરતા રૂપિયા 7.81 કરોડનો ઘટાડો નોંધાયો છે. જયારે ગયા મહીના કરતા આ મહીને 1પ39 દસ્તાવેજ વધુ નોંધાયા છે.
દસ્તાવેજની નોંધણીની સંખ્યા વધે પરંતુ આવકમા ઘટાડો થાય તેનો સીધો મતલબ એ હોય છે કે લોકો મોંઘા ભાવનાં ફલેટ, મકાન કે જમીન ખરીદતા નથી. પરંતુ મધ્યમ વર્ગને પોસાય તેવા બજેટની મિલકતની ખરીદી વધુ થાય છે. રાજકોટ શહેર અને જિલ્લાની અલગ અલગ 18 સબ રજીસ્ટાર ઓફીસમા મે મહીનામા કુલ 14580 દસ્તાવેજ નોંધાયા છે. જેની સામે સરકારને રજીસ્ટ્રેશન ફી પેટે 10,78,82,579 રૂપીયાની આવક થઇ છે. જયારે સ્ટેમ્પ ડયુટી પેટે 64.94 કરોડની આવક નોંધાય હતી. સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ સબ રજીસ્ટાર ઓફીસ ખાતે નોંધાયા હતા. તે ઓફીસમા 2144 દસ્તાવેજ નોંધાયા છે. જયારે બીજા નંબરે રૈયા ઓફીસમા 1પ12 દસ્તાવેજની નોંધણી થઇ છે. ગોંડલ સબ રજીસ્ટાર ઓફીસમા 1407 અને પછી મવડી ઓફીસમા 1219 દસ્તાવેજની નોંધણી થઇ હતી.