દોષિતોને સજા, પીડિતોને ન્યાય: મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા
રવિવારે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના આંસુ લુછશે, ચોટીલા-સુરેન્દ્રનગર-વિરમગામ થઈ 23મીએ ગાંધીનગરમાં સમાપન
ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબીથી આજે સવારે ન્યાયયાત્રાનો પ્રારંભ થયો હતો આ ન્યાય યાત્રા રવિવારે રાજકોટ થઈ ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ વિગેરે રૂટ ઉપર ફરી તા.23 ઓગષ્ટે ગાંધીનગર ખાતે પહોંચનાર છે. મોરબીમાં આજે સવારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમજ સ્થાનિક કાર્યકરો અને ઝુલતા પૂલ બ્રીજ દુર્ઘટનાના પીડીતોની હાજરીમાં ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પૂર્વે ક્રાંતિસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.
મોરબી જુલતા બ્રિજ દુર્ઘટના, રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ, બોટાદના લઠ્ઠાકાંડ તેમજ વિરમગામના અંધાપાકાંડ સહિતના પીડિતોને ન્યાય અપાવવાની માંગણી સાથે આજે સવારે મોરબીથી આ ન્યાયયાત્રાન પ્રારંભ થયો છે અને તા.11મીએ રવિવારે રાજકોટ પહોંચશે. ત્યાર બાદ ચોટીલા, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ થઇ તા.23 ઓગષ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે.
આ યાત્રા માટે રૂટવાઇજ કોંગ્રેસના આગેવાનો તેમજ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યઓને જવાબદારી સોંપવામાં આવી છે.યાત્રા કુલ 14 સ્થળે રાત્રી રોકાણ કરશે અને 15માં દિવસે સવારે ગાંધીનગરમાં પૂર્ણ થશે. ગાંધીનગર ખાતે યાત્રાની સમાપન સમારોહમાં રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. જ્યારે બીજી તબક્કાની ન્યાયયાત્રા આગામી દિવસોમાં સુરતથી ગાંધીનગર સુધી કરવામાં આવનાર છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચનાનુસાર, 9 ઓગસ્ટથી મોરબી ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ "ગુજરાત ન્યાય પદયાત્રા’ શરુ થવાની છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજકાંડ, કાંકરિયા રાઈડકાંડ, તક્ષશિલા આગકાંડ, બુલડોઝરકાંડ, લઠ્ઠાકાંડ, પેપરકાંડ, અંધાપાકાંડ, ભુમાફિયાકાંડ, બળાત્કારકાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તદુપરાંત, રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી છે.
ભાજપાની ભ્રષ્ટ નીતિના લીધે વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડીત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ "ગુજરાત ન્યાય પદયાત્રા” 9 ઓગષ્ટ મોરબીથી શરૂ થઇ રહી છે. જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાનાર છે. કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા મોરબી - ટંકારા - રાજકોટ - ચોટીલા સુરેન્દ્રનગર- વિરમગામ - સાણંદ - અમદાવાદથી પસાર થઇ ને ગાંધીનગર ખાતે સમાપન થશે.
રાજ્યની શાંતિ ડહોળવા કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે: નિતીન પટેલ
કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. વધુમાં કહ્યું કે, તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે નીતિન પટેલે જણાવ્યું કે, જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે જે યોગ્ય નથી, અનેક કારણો એવા છે કે જેને લઇ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી સારી થઈ રહી છે, વર્તમાનમાં ખેડૂતો ખેતીની મોસમમાં ખૂબ જ સક્રિય છે તેમજ વેપારીઓને પણ સારા ધંધા ચાલી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં શાંતિ ડોળવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા નામે યાત્રા કાઢવામાં આવી રહી છે.