સમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં: રાદડિયા
મંત્રીમંડળમાં સ્થાન નહીં મળ્યા બાદ પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાના સૂચક વિધાનો
ટાંટિયા ખેંચી પાડી દેવાના રાજકારણ સામે ભાજપના નેતાએ સાધ્યું નિકશાન
ગત શનિવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શ્રી પાટીદાર સેવા સમાજ-મહીસાગર જીલ્લા દ્વારા ખાનપુર 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમસ્ત મહીસાગર જિલ્લા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહ પ્રસંગે પ્રમુખ સ્થાને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇશારા ઇશારામાં કહ્યું કે, તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે છો.
તેમણે સમાજના વડીલો, યુવા ભાઈઓ બહેનોને નુતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આ સાથે વક્તવ્ય દરમિયાન સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી પડે તેને કમનસીબી ગણાવી હતી.
મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યા બાદ પ્રથમ વખત ખુલ્લીને જાહેર મંચ પરથી કહ્યું હતું કે, સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં. હાથ ખેંચી આગળ વધારો પગ ખેંચી નીચે ના પછાડો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે આવડા મોટા સમાજને એટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા એ સમાજની સૌથી મોટી કમનસીબી છે.
જયેશ રાદડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં સમાજને જ્યાં જરૂૂર પડે ત્યાં ભેગું થવું જ પડશે. સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં. જરૂૂર પડે ન્યાં સમાજના લોકોનો હાથ ખેંચો એને ઉપર લઇ આવો. પગ નહીં અત્યારના સમયમાં તમે જોતા હશો જેવો આગેવાન આગળ વધે એટલે પગ ખેંચીને પાડી દે.
તેમણે જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષ પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. બરાબર સેટ થાય ત્યાં એને ખેંચે એટલે વળી નવેસરથી એકડો ઘૂંટવાનો. આવડા મોટા સમાજની કમનસીબી છે જરૂૂર પડે ન્યાં હાથ ખેંચવા બદલે પગ ખેંચવામાં આવે છે. પગ ખેંચી પાડી દેવાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં ચાલે છે આપણે એકે જ સમાજનો ઠેકો લીધો હોય એવું લાગે. એક વડીલે કીધેલી વાત મને બોવ ગમી જીવનમાં જયારે તમારો વિરોધ થાય ત્યારે એમ માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો અને સોળે કળાએ તમારો સૂરજ ખીલી રહ્યો છે. તમે ટોચ ઉપર ચડ્યા હોય અને વિરોધ થાય એટલે માનવું કે તમે દિવસે દિવસે આગળ વધી રહ્યા છો. સમાજની અંદર બધું ભૂલી આપણે બધાએ એક મંચ ઉપર બેસવું પડશે. એક મંચ પર જ્યાં સમાજને જરૂૂર હોય ત્યાં ઉભું રહી જવાનું. અંદરો અંદરના પ્રશ્ન બંધ કરીશું તો જ સમાજ પ્રગતિ કરશે.
મારી નાની ઉંમરમાં અહીંયા સુધી રાજકીય કારકિર્દી પહોંચી હોય તેમાં પાયાની અંદર સમાજનું ખુબ મોટું યોગદાન છે. અમારા સૌની જવાબદારી બને છે કે સમાજને આગળ લઇ જવો છે. સમાજની અંદર અનેક મુશ્કેલીઓ છે આ મુશ્કેલીઓ આપણે સાથે મળીને દૂર કરવાની છે. સમાજનું સારું કામ કરો તો અનેક ભૂલ થશે પણ જેને કંઈ કરવું નથી એ માત્ર સમાજની ભૂલ ગોતવાનું કામ કરશે. સમાજની અંદર આવી ટીમ છે જે માત્ર ભૂલ ગોતવાનું કામ કરે છે.
સમાજ પ્રગત િ વાળો ક્યારે થશે. ગુજરાતમાં રહેતો આપણો આવડો મોટો પાટીદાર સમાજ છે સમાજ એક થાય સંગઠિત થાય એ માટે દરેક મંચ ઉપરથી આગેવાનોએ પ્રયાસ કર્યા છે. આપણા સમાજના અનેક આગેવાનો અને વડીલોએ ભૂતકાળમાં જે પરિસ્થિતિ હશે તેમાં અનેક પ્રયત્નો કર્યા. પરંતુ એક યા બીજી રીતે સફળતા નથી મળી. સફળતા ન મળે એટલે આગેવાન જગ્યા છોડી દે. પછી નવા આગેવાન આવે પછી ફરી એ પ્રયત્ન કરે વળી પાછા એ આગેવાન પણ છોડી દે.
દીકરી દેવી હોય તો ગામડામાં નથી દેવી
દીકરીઓની વાત આવે ત્યારે દીકરી દેવી હોય તો ગામડામાં નથી દેવી. કોઈની દીકરી લઇ આવવી હોર્યા તો આપણે પાછી ગામડામાં રાખવી છે. ખેતી કામ નથી કરવું પણ સબંધ થાય ત્યારે ખેતી જોઈએ છે. મોટા શહેરમાં જે રહેતા હોય એને ખબર હોય કે કેમ ભેગું થાય એ છતાં રહેવું ક્યાં તો કે શહેરમાં. વિઠ્ઠલભાઈએ નાની ઉંમરમાં સોંપ્યું છે મને 25 વર્ષની ઉંમરથી સંભાળેલી જવાબદારીના અનુભવ ઉપરથી આ વાત હું કરી રહ્યો છું.