જનવિશ્ર્વાસ બિલ: 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈ અપરાધમુક્ત
કેન્દ્ર અને રાજ્ય સ્તરે 40 હજારથી વધુ કમ્પ્લાયન્સીસ નાબૂદ કરાયા, નાની ભૂલો માટે કેદની સજાના બદલે દંડની જોગવાઈ
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રનું આજે સમાપન થયું હતું ત્યારે અંતિમ દિવસે જનવિશ્ર્વાસ વિધેયક-2025 ઉપર વિપક્ષી ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા હતાં.
15મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે આ હેતુસર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનગૃહમાં રજૂ કર્યું હતું. જેને બહુમતીએ પસાર કરવામાં આવ્યું હતું.
એટલું જ નહિ, ટેકનોલોજીનો ઉપયોગથી જ્યાં ઝડપી અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય એવા ક્ષેત્રોમાં તેમના માર્ગદર્શનને પણ સરકારે આવકાર્યું છે. આથી, કેન્દ્ર સરકારે 2023માં જન વિશ્વાસ કાયદો અમલમાં મુકીને સરકારે કમ્પ્લાયન્સીસ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે 40 હજારથી વધુ કમ્પ્લાયન્સીસ નાબૂદ કરવામાં આવ્યા. આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળ્યું છે.
તાજેતરમાં જ જનવિશ્વાસ બિલ 2.0 સંસદમાં રજૂ થયું છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના જનવિશ્વાસ વિધેયક 2.0નો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) વિધેયક-2025 તૈયાર કર્યું છે. રાજ્ય સરકારના 6 વિભાગોના 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત ડિક્રિમિનલાઈઝ્ડ કરવાનો આ વિધેયકનો હેતુ છે.
મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં નાની ભૂલો માટે શક્ય હોય ત્યાં કેદની સજા દૂર કરવામાં આવી છે અને ફાઈન એટલે કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, શ્રમ - કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નર્મદા - જળ સંપત્તિ - પાણી પુરવઠા કલ્પસર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ - ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા નાણાં વિભાગના 11 કાયદાઓ નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત કરવાથી સજાના ડરને બદલે પ્રામાણિક્તાથી કાયદાઓના પાલનમાં મદદ મળશે.
મંત્રી બળવંતસિંહ રાજપુતે જે 516 જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, એક જોગવાઈમાં કેદની કલમ છે તેને દૂર કરવામાં આવી રહી છે. 17 જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી રહી છે અને 498 જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે. આ ઉપરાંત 8 કાયદાઓ હેઠળ ઉલ્લંઘનના સમાધાન માટેની વ્યવસ્થા સાથે અધિકારી દ્વારા પેનલ્ટીની રકમ સ્વીકારી શકાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જનવિશ્ર્વાસ વિધેયક વાસ્તવમાં જન અવિશ્ર્વાસ વિધેયક: ગોપાલ ઈટાલિયા
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, જનતામાં વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ વધે એ રીતનો ‘જન વિશ્વાસ વિધેયક’ કાયદો સરકારે બનાવ્યો છે. ‘જન વિશ્વાસ વિધેયક’ હકીકતમાં ‘જન અવિશ્વાસ વિધેયક’ છે. ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો, અમે તેનો પુરજોર વિરોધ કર્યો છે. જનવિશ્વાસ વિધાયકનો મેં ભરપૂર વિરોધ કર્યો, પરંતુ બહુમતીના જોરે ભાજપે કાયદો પાસ કરાવ્યો છે. વિધાનસભામાં ખેડૂત વિરોધી, ગામડા વિરોધી અને સહકારી ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા પ્રમાણે સહકારી મંડળીમાં જો કોઈ ખોટા પુરાવાના આધારે સભ્યથી લઈને ચેરમેન કંઈ પણ બનશે તો તેને જેલની સજા કરવામાં આવશે નહીં અને ફક્ત 5,000નો દંડ કરવામાં આવશે, આ બાબતનો મેં ખૂબ જ વિરોધ કર્યો હતો. જો કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ આપીને સભાસદ કે પછી ચેરમેન પણ બને તો તેને જેલમાં નાખવો જોઈએ. ખોટા ડોક્યુમેન્ટમાં ખેડૂતોના નામે ખોટી લોન પણ લેવાય છે. હવે નવા કાયદા પ્રમાણે ખોટા ડોક્યુમેન્ટ આપનાર જો તમામ ડોક્યુમેન્ટ અને રેકર્ડ જો કોઈ ગાયબ કરી દે તો જેલની સજાની જગ્યાએ ફક્ત દંડ કરવામાં આવશે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરનારને પણ જેલની જગ્યાએ ફક્ત 50,000નો દંડ કરવામાં આવશે, આનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓની હિંમત વધશે.