પોરબંદર પાલિકાના મિલકત વેરા વધારાનો લોકોમાં વિરોધ
કમિશનર દ્વારા વધારો મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ વધારો ઝીંકી દેવાતા ભારે રોષ
પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા થતાં જ વેરો વધારવામાં આવ્યો હતો, જેને લઈને પોરબંદરની જનતાએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો, વેરો વધારો સ્થગિત કર્યા હોવા છતાં પણ મિલકત ધારકોને વધુ વેરો આવતા હવે સ્થાનિકો લાલઘૂમ થયા છે. અને વેરામાં અસહ્ય વધારાનો લોકો દ્વારા વિરોધ કરવામા આવી રહયો છે.
પોરબંદરમાં હાઉસ ટેકસમાં વધારેલા વેરામાં ઘટાડો કરવા મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને વેરો ઘટાડવા અંગે મનપા દ્વારા પ્રક્રિયા કરી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આવતા માસ બાદ વેરાના બિલમાં 10 ટકા રિબેટ પૂર્ણ થશે, જેથી રિબેટ આપવાના સમયમાં વધારો કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા માગ કરવામાં આવી છે. પોરબંદર છાંયા પાલિકા દ્વારા હાઉસ ટેકસ વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો હતો અને આ અંગેના ઠરાવ અને મંજૂરી મેળવી લીધા હતા, ત્યારબાદ પાલિકામાંથી મનપા થતા અને ચાલુ વર્ષે હાઉસ ટેક્સના બિલની ફાળવણી થતા વેરામાં અસહ્ય વધારાનો લોકો દ્વારા વિરોધ થયો હતો.
જેને કારણે ધારાસભ્ય અને મનપા કમિશનર દ્વારા વેરામાં વધારો મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં લોકોને બમણો વેરો આવતા રોષ જોવા મળ્યો છે. નવા વધારાના વેરા સાથેના બિલ ભરવા કે નહીં તે અંગે પ્રજાજનો અવઢવમાં મુકાયા છે અને આવતા માસે એટલે કે 30/9/2025 સુધીમાં ચાલુ વર્ષનો વેરો ભરવામાં આવશે તો 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મનપાના કમિશનર પ્રજાપતિએ જણાવ્યું છે કે વધારેલો વેરો ઘટાડવા મનપા દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે અને દરખાસ્ત તૈયાર કરી ટૂંક સમયમાં સરકાર સમક્ષ દરખાસ્ત મંજૂર માટે પ્રક્રિયા કરવામાં આવશે.
હાલ જે વધારાના વેરા સાથેના બિલ આવ્યા છે તે બિલ નાગરિકો ભરશે, તેને 30 સપ્ટેમ્બર સુધી 10 ટકા રિબેટ આપવામાં આવશે અને વેરો ઘટાડવાની પ્રક્રિયા સિસ્ટમમાં આવ્યા બાદ નાગરિકોને વધતા મજરે રૂૂપિયા આવતા બિલમાં બાદ કરી દેવામાં આવશે, જેથી વેરો ભરી દેવા અપીલ કરી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી 10 ટકા રિબેટ મળશે, ત્યારે હાલ નવા વેરાની જાહેરાત થયાને પોણા બે માસ જેટલો સમય થયો છે, જેથી રિબેટ મળવા અંગેના સમયમાં 60 દિવસનો વધારો કરી દેવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા તંત્રને માગ કરવામાં આવી છે.