ભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ
ભાણવડ વિસ્તારમાં છેલ્લા આશરે ચારેક દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભાણવડ તથા આસપાસના આશરે 15 કિલોમીટર જેટલી રેન્જમાં લોકોને ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થાય છે.આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના દ્વારા જાફહેર જનતા જોગ સંદેશ જારી કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાં લોકો કંપન અનુભવે છે. સિસ્મોલોજી વિભાગ તરફથી આ બાબતને પુષ્ટિ આપવામાં આવી છે. આ ધરતીકંપના આંચકાની તીવ્રતા તદ્દન હળવી હોય છે. સિસ્મોલોજીના ડેટા મુજબ છેલ્લા આશરે 15 વર્ષથી લગભગ તમામ ચોમાસા પછીના દિવસોમાં સપ્ટેમ્બર, ઓક્ટોબર, ડિસેમ્બર માસમાં આ પ્રકારના હળવા આંચકા આવે છે.
છેલ્લા આશરે દોઢ એક દાયકાના સમયગાળામાં આવા 80 જેટલા આંચકા નોંધાયા છે. જે ભૌગોલિક સંરચનાના કારણે આવી ગતિવિધિ હોઈ શકે. ભૂકંપની આગાહી કરવી શક્ય નથી. આંચકાથી લોકો પેનિક થાય તે સ્વાભાવિક છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડ લાઈન મુજબ વધુ તીવ્રતાના કે લાંબો સમય ચાલે તેવા આંચકા સમયે લોકોને જાગૃતિ માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેટલીક વિગતો જારી કરી, અને સોશિયલ મીડિયામાં આ અંગેની બાબતે તેમજ જાગૃતિ કેળવવાની માહિતી આપવામાં આવી છે. આ પ્રકારના ભૂકંપ બાબતે ભયનો માહોલ ઊભો ન થાય તે માટેની તકેદારી રાખી તેમજ વધુ વિગત કે નુકસાનીની ઘટના અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક કરી, જાગૃતિ કેળવવા જિલ્લા કલેકટર દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.