સુરેન્દ્રનગરના દસાડામાં જુગારના દરોડા બાદ પીએસઆઇની બદલી, પાંચ કર્મીઓ સસ્પેન્ડ
દસાડા પાસે જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિગ સેલના દરોડા બાદ જિલ્લા પોલીસવડાની કાર્યવાહી
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના દસાડાથી વડગામ તરફ જતા રસ્તા પર ખુલ્લી જગ્યામાં જુગાર અંગે રેડ કરી જુગાર રમતા 10 શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જે બનાવ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ દસાડા પીએસઆઈની બદલી કરવામાં આવી છે અને પોલીસ મથકના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગત તા.22 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર એસએમસીની ટીમ દ્વારા વડગામ તરફ જવાના રસ્તા પર ખુલ્લી જગ્યામાં બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા 10 શખ્સોને રોકડ, મોબાઈલ, કાર અને બાઈક સહિત કુલ રૂૂા. 4.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ બનાવમાં સ્થાનિક પોલીસની હદમાં જુગારધામ ચાલતું હોવા છતાં દસાડા પીએસઆઈ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાથી અને ફરજમાં બેદરકારી દાખવી હોવાનું જણાઈ આવતાં જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડ્યા દ્વારા દસાડા પીએસઆઈ ખડીયાની વઢવાણ પોલીસ મથકમાં બદલી કરાઈ છે. જ્યારે વઢવાણ પીએસઆઈ રામદેવસિંહ ઝાલાને દસાડા પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત દસાડા પોલીસ મથકના શૈલેષભાઈ પ્રહલાદભાઈ કઠેવાડીયા, મયુરભાઈ અમથુભાઈ ચાવડા, સુરેશભાઈ ડાયાભાઈ વઢેલ, સંદિપકુમાર હીરાભાઈ મકવાણા અને સંજયભાઈ જીતુભાઇ વલાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.