ગિફ્ટ ડીડ અને દાનની મિલકતો ઉપર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપો
લોહિના સબંધીઓ વચ્ચે મિલ્કત હસ્તાક્ષર અને સેવાકીય સંસ્થાને દાનમાં મળતી મિલ્કતો ઉફર રાજ્યમાં સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ માંથી રાહત આપવા એડવોકેટ અભય શાહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.
એડવોકેટ અભય શાહે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા જંત્રીના મુસદ્દાને જાહેર જનતાના સૂચનો માટે મૂકવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક પગલું છે. આ સંદર્ભમાં, તેમણે લોહીના સંબંધીઓ વચ્ચે રહેણાંક અને ખેતીની જમીન મિલકત હસ્તાંતરણ માટે ગિફ્ટ ડીડ પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા અને સેવાકીય સંસ્થાઓને દાનમાં મળતી મિલકતો પર રાહત આપવા અંગે વિનંતી કરી છે.
ગુજરાતમાં પરિવારો અને સમાજનું હિત જોવાની એક સુદ્રઢ પરંપરા રહી છે. આજે જ્યારે જમીન મિલકતોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે ત્યારે પરિવારમાં મિલકતનું હસ્તાંતરણ કરવું એ એક મોટો આર્થિક બોજ બની ગયો છે. ઘણી વખત મા-બાપ પોતાના બાળકોને કે ભાઈ-બહેન એકબીજાને પોતાની હયાતીમાં મિલકત વિના મૂલ્યે ભેટ સ્વરૂૂપે આપવા માંગે છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીના મોટા બોજની ચિંતામાં અટવાય છે. આના પરિણામે પરિવારોમાં મિલકતને લઈને વિખવાદો અને કોર્ટ કેસો થાય છે.
આ ઉપરાંત, ગુજરાતમાં સેવાકીય સંસ્થાઓનું મહત્વ પણ ઘણું છે. આ સંસ્થાઓ પશુ-પંખીઓ, ગરીબો, અનાથ, વિકલાંગ અને જરૂૂરિયાતમંદ લોકોની સેવા કરે છે. ઘણા દાતાઓ આ સંસ્થાઓને મિલકતો દાનમાં આપવા માંગે છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટીના પ્રશ્ને દાન અટવાઈ જતું હોય છે.
શાહે ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં લોહીના સંબંધીઓ વચ્ચે ગિફ્ટ ડીડથી મિલકત હસ્તાંતરણ પર ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગુજરાતમાં પણ આવી જ નીતિ લાગુ કરવાની માંગણી કરી છે, જેથી અનેક પરિવારોને લાભ થાય અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. એડવોકેટ અભય શાહે પોતાના પત્રમાં મુખ્યમંત્રીને ગુજરાતના લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.