સ્માર્ટ મીટરના વિજબિલથી કંટાળી મહિલાઓમાં વિરોધનો કરંટ
બે મહિને આવતું બિલ 21 દિવસે આવતા ભારે હેરાનગતિ : પૂછયા વગર અને ધમકી આપી નાખી ગયાના આક્ષેપ : ઙૠટઈક કચેરીનો ઘેરાવ-સૂત્રોચ્ચાર
સ્માર્ટ મીટરનો રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મિટર લગાવ્યા બાદ ન કલ્પી શકાય તેવા બીલો ફટકારવામાં આવી રહ્યાં છે.
રાજકોટમાં પણ નંદનવન સોસાયટીની બાજુમાં આવેલ આવાસ યોજનામાં ડરાવીને સ્માર્ટ મિટર લગાવવામાં આવ્યાં છે જેમાં ભારેખમ વીજબીલ આપતાં મહિલાઓ દ્વારા પીજીવીસીએલની કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો અને ઉગ્ર સુત્રોચ્ચાર કરી બિલ નહીં ભરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ અંગે નાણાવટી ચોક પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા મહિલાઓએ જણાવ્યું હતું કે સાત આઠ મહિના અગાઉ પીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ દ્વારા પુછયા વગર સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે મહિલાઓ દ્વારા વિરોધ કરાયો હતો. પરંતુ ત્યારે શોટસર્કીટ, જીઆરપી કોડ જેવી ઘટના બનશે તો તેની જવાબદારી કોની તેવી રીતે ડરાવી અને મિટર બગડી ગયા છે તેવું જણાવી સ્માર્ટ મિટર લગાવી ગયા હતાં. વધુમાં કહ્યું હતું કે અગાઉ બે મહિને બીલ આવતું હતું જેમાં 2000 થી 3000 સુધીના બીલ આપતા હતાં સ્માર્ટ મિટર લગાવ્યા બાદ દોઢ મહિને બિલ આપતાં હતા અને એ 21 દિવસે બીલ આવી રહ્યાં છે.
જેમાં 1800 રૂપિયા સુધીનાં આવી રહ્યાં છે. જે બે મહિને આવતાં હતાં તેટલા રૂપિયા 21 દિવસમાં આવી રહ્યાં છે. જેથી મધ્યમ વર્ગને પોસાય તેમ નથી.આ અંગે આજે પીજીવીસીએલ કચેરી ખાતે 50 થી 60 મહિલાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.
અને આ અંગે રજૂઆત કરી સ્માર્ટ મિટર બદલાવવા માટે આવેદન પાઠવી રજૂઆત કરી હતી. પરંતુ સ્માર્ટ મિટર બદલશે નહીં હપ્તા સિસ્ટમ કરી આપવા અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ અમે મધ્યમ વર્ગના પરિવાર છીએ આંખી જીંદગી અમારે હપ્તામાં જ કાઢવી ? તેવા સવાલો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતાં.વધુમાં મહિલાઓએ ચિમકી ઉચ્ચારી હતી કે બિલની ચુકવણી કરીશું નહીં અને બિલની ઉઘરાણી કરવા પણ આપતા નહીં બિલની ઉઘરાણી સમયે જે બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલની રહેશે.