મોરબી સ્ટેશન રોડ પર ગટરના પાણીથી ત્રસ્ત વેપારીઓનો વિરોધ
એક સમયે ઘડિયાળ અને સિરામિક નગરી તરીકે પ્રસિદ્ધ મોરબી શહેર છેલ્લા છ મહિના જેટલા સમયથી ચક્કાજામ નગરી બની ગઈ છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ કહેવાય કારણકે પ્રાથમિક સુવિધાઓથી વંચિત પ્રજા રસ્તા રોકો આંદોલન પર ઉતરી આવી છે અનેક વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો બાદ આજે મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર વેપારીઓએ રોડ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર રોડ અને ગટરના પાણીના પ્રશ્નોથી કંટાળી ગયેલા વેપારીઓએ આજે રસ્તા રોકું આંદોલન કર્યું હતું રોડ બંધ કરી ચક્કાજામ કરી દીધો હતો વેપારીઓના જણાવ્યા અનુસાર ચારેક મહિનાથી રોડ અને ગટરના પાણીના નિકાલનું કામ પૂરું થતું જ નથી મહાપાલિકામાં ટેક્ષ ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોવાથી વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા હતા વનવે રસ્તો અને શાક માર્કેટ ભરાતી હોવાથી ચક્કાજામને પગલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી અને ભારે સમજાવટ અને ખાતરી મળ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
જે અંગે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ઈજનેર કેવલ પટેલે જણાવ્યું હતું કે સ્ટેશન રોડ પર મનપા તંત્ર દ્વારા સુપરટોકીઝથી ચિત્રકૂટ ટોકીઝ સુધી તેમજ આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં સુપર ટોકીઝથી ચિત્રકૂટ ટોકીઝ સુધી કામ પૂર્ણ થયું છે અને આસ્વાદથી જડેશ્વર મંદિર સુધી કામગીરી ચાલે છે આસ્વાદ પાન નજીક આઉટ લેટ કનેક્શન મોટલ કામગીરી કરવાની હોવાથી વિલંબ થયો છે 1 માસમાં કામ પૂર્ણ થઇ જશે બન્ને રોડના કામો મહાપાલિકાએ મંજુર કર્યા છે તે કામો પણ શરુ કરવામાં આવશે.
