આરટીઓ અધિકારી-કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
- અપૂરતો સ્ટાફ, ટેક્નિકલ એરર, પ્રમોશન-બદલીમાં વિલંબ સહિતના પ્રશ્ર્ને સરકાર સામે મોરચો
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વધુ એક વિભાગના કર્મચારીઓ દ્વારા સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે. પોતાની માંગણીઓ નહીં સંતોષાતા રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ તા.1 માર્ચ 2024થી સામૂહિક માસ સીએલ પર ઉતરી જવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમજ આજે આરટીઓ કચેરીના વડાઓને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આરટીઓ સહાયક મોટર વાહન નિરીક્ષક બી.એ. શિંગાળાએ જણાવ્યુ હતું કે, રાજકોટ આરટીઓ કચેરીમાં દરરોજ લાયસન્સ કઢાવવા, ફિટનેસ, એડ્રેસ ચેન્જ, રી-પાસિંગ સહિતની 1 હજારથી વધુ અરજીઓ આવે છે. જે ટેક્નિકલ સ્ટાફ વિના શક્ય નથી. તેમ છતાં ટેક્નિકલ સ્ટાફને પ્રોહિબિશન પીરીયડ પૂર્ણ ન કરવો, નનામી અરજીઓના આધારે તપાસ કરી નોટિસ અને ચાર્જશીટ આપવી, ચેક પોઇન્ટ પર અસુવિધા સહિતનાં પ્રશ્નો છે. ઉપરાંત કાયમી નિમણૂક કરવામાં આવતી નથી. જેને કારણે ટેક્નિકલ સ્ટાફ પર કામનું ભારણ વધતું જાય છે. મળતી વિગતો મુજબ, રાજ્યમાં છઝઘ (રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર)ની 16માંથી 14 જગ્યાઓ ખાલી છે. અમદાવાદ અને સુરતમાં ડેપ્યુટી કલેક્ટરને આરટીઓ અધિકારી તરીકે મુકાયા છે. રાજકોટ આરટીઓ કચેરીના વડા એઆરટીઓ (આસિસ્ટન્ટ રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસર)ને આરટીઓ અધિકારીનું પ્રમોશન મળ્યું નથી. આ ઉપરાંત 1 ઇન્સ્પેક્ટર અને 2 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના પ્રમોશન બાકી છે. રાજકોટમાં આરટીઓ અધિકારીની જગ્યા ખાલી છે. એઆરટીઓની 5 માંથી 4, મોટર વાહન નિરીક્ષકની 11 માંથી 2 જગ્યા ખાલી છે. આ જ રિતે નોન ટેક્નિકલ સ્ટાફમાં મુખ્ય ગણાતી જનસંપર્ક અધિકારીની 2 જગ્યાઓ ખાલી છે. જેથી હેડ ક્લાર્ક જનસંપર્ક અધિકારીનું કામ કરે છે. રાજકોટ આરટીઓ કચેરીમાં કુલ 113 જગ્યાઓનું મહેકમ મંજૂર છે. છતા તેમાંથી 49 જગ્યાઓ ખાલી છે. જ્યારે 64 જગ્યાઓ પર ભરતી થયેલી છે.
આરટીઓ કચેરીઓના ટેક્નિકલ સ્ટાફના પ્રશ્નોમાં મોટર વાહન ખાતાના સંખ્યાબંધ અધિકારીઓ/કર્મચારીઓના પ્રોહિબિશન પૂર્ણ કરી લાંબા ગાળાની નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવેલી હતી. જેમાં 38 અધિકારીઓના પ્રોહિબિશન 3 વર્ષથી લઈ 10 વર્ષ સુધીનો વિલંબ થયા છતાં પૂર્ણ કરવામાં આવેલા નથી. આ ઉપરાંત 2018ની બેચના પણ 23 જેટલા અધિકારીઓના પ્રોહિબિશન પૂર્ણ કરેલા નથી. મોટાભાગના કિસ્સાઓમાં અધિકારીઓ સદંતર નિર્દોષ હોવા છતાં ક્ષુલ્લક બાબતો અંગેની નોટિસો આપી લાંબા સમય સુધી કાયમી નિમણૂકના હુકમો કરવામાં આવેલા નથી. આથી તાત્કાલિક ધોરણે પ્રોહિબિશન બાકી હોય તેવા તમામ અધિકારીઓના પ્રોહિબિશન પૂર્ણ કરી આપવા વિનંતી છે. આ ઉપરાંત ચેકિંગમાં પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી. જેમાંથી એક પણ રજૂઆતનો હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ ચેક પોઇન્ટ પર માળખાકીય સુવિધાઓ જેવી કે ઓછામાં ઓછા 12ડ12 (ફૂટ) સાઈઝનું સુવિધાઓ સાથેનું ક્ધટેઈનર, શૌચાલય, વજન કાંટો અને વાહન ડીટેઇન કરવા માટે સરકારી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવે.
RTO કર્મચારીઓ દ્વારા થનાર કાર્યક્રમ
તા. 28 ફેબ્રુઆરીના તમામ ટેક્નિકલ અધિકારીઓ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી, અધિક મુખ્ય સચિવને ટેક્સ્ટ મેસેજ, ટ્વીટર તથા અન્ય સોશિયલ મીડિયાની એપ્લિકેશન મારફત પડતર માંગણીઓ રજૂ કરશે. તા. 29 ફેબ્રુઆરીના તમામ ટેક્નિકલ અધિકારીઓ કચેરી સમય પહેલાં અને બપોરે રીશેષના સમયે સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન કરશે. તા. 04 માર્ચના તમામ ટેક્નિકલ અધિકારીઓ એક દિવસની માસ સી.એલ. પર જઈ તમામ કામગીરીનો બહિષ્કાર કરશે અને તે જ દિવસે તેઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવશે. 1 દિવસની માસ સી.એલ. બાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તા.11 માર્ચથી ગુજરાત મોટર વાહન વિભાગના તમામ ટેક્નિકલ અધિકારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સી.એલ. ઉપર ઉતરી જશે.