ધોરાજીના બિસ્માર રસ્તાઓ પર વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન
ગાબડાંઓની ફરતે કોંગ્રેસે રાસ-ગરબા લીધા
ધોરાજીમાં છેલ્લા લાંબા સમયથી માર્ગો કમ્મરતોડ બની ગયા છે. માર્ગો પર ઠેર-ઠેર મોટા ગાબડાઓ પડી ગયા હોય અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. બિસ્માર માર્ગોના મરામત કામ માટે નગરજનો છેલ્લા લાંબા સમયથી તંત્ર સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. પરંતુ તેને લક્ષમાં લેવાતી ન હોય અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ સર્જાયો છે.
શહેરના સરદાર ચોક, જેતપુર રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ, પોસ્ટ ઓફીસ ચોક, જુનાગઢ રોડ સહિતના વિસ્તારોના માર્ગો પર ઠેર-ઠેર મોટા ગાબડાઓ પડી ગયા હોય, આ કંડમ બનેલા માર્ગો પર વાહનો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે તો જયારે રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શહેરના નગરજનોને સારા માર્ગોની સુવિધા પૂરી પાડવામાં ધારાસભ્ય અને સાંસદ સહિતના પ્રજાના પ્રતિનિધિઓ પણ નિષ્ફળ જતા કોંગ્રેસ દ્વારા શહેરના આ બિસ્માર માર્ગો પર પડેલા ગાબડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
તેમજ ગાબડાઓની ફરતે રાસ-ગરબા રમી અને રામધુન પણ બોલાવવામાં આવી હતી. ધોરાજી શહેરના તમામ રસ્તાઓ પર ખાડા રાજ છે. શહેરનો મેઇન રોડ એટલે જેતપુર રોડ જયાંથી દરરોજ સેંકડો લોકો, સ્કુલના વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સો આ રોડ પર અવરજવર કરે છે.