મનપાની કાર્યવાહીનો વિરોધ: બર્ધન ચોક સજ્જડ બંધ
તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો વેપારીઓનો આક્ષેપ, મુખ્યમંત્રી સુધી રજૂઆત
જામનગર શહેરના હૃદય સમા બર્ધન ચોક વિસ્તારમાં મહાનગર પાલિકા તંત્રની કથિત એકતરફી કાર્યવાહી અને પોલીસ દ્વારા થતી કનડગત સામે સ્થાનિક વેપારીઓએ આજે સજ્જડ બંધ પાળી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગઈકાલે સાંજે 5 વાગ્યા બાદ શરૂૂ થયેલો બંધ આજે પણ બપોર પછી યથાવત રહ્યો હતો, જેમાં બર્ધન ચોક સહિત આસપાસના વિસ્તારના વેપારીઓ જોડાયા હતા.
વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે તેઓ દ્વારા તંત્રને બર્ધન ચોક વિસ્તારમાં રોડ પર ગેરકાયદે દબાણ કરીને ટ્રાફિકને અવરોધતા રેકડી-પથારા ધારકોને હટાવવા માટે વારંવાર ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ તંત્ર આ મામલે નિષ્ફળ નીવડ્યું છે. તેના બદલે, પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ કરનાર વેપારીઓની દુકાનો સામે પાર્ક કરવામાં આવતા વાહનોને દંડ ફટકારી પરેશાન કરવામાં આવી રહ્યા છે.
એક વેપારી વિજયભાઈ અસ્વાનીએ જણાવ્યું હતું કે, જામનગરના તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં તાજેતરમાં વેપારીઓએ ભેગા મળીને રાજ્યના મુખ્યમંત્રીને રૂૂબરૂૂ મળીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે દબાણકર્તાઓ સામે કડક પગલાં લેવાને બદલે પોલીસ ઉલટાનું વેપારીઓને જ દંડી રહી છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં રેકડી-પથારા અને અન્ય માલસામાન ઉપાડવાની ઝુંબેશ ચાલી રહી હોવા છતાં, વેપારીઓનો આક્ષેપ છે કે આ કાર્યવાહીમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવાય છે. જે વેપારીઓ ગેરકાયદે દબાણ અંગે ફરિયાદ કરે છે, તેમનો જ માલસામાન ઉપાડી લેવામાં આવે છે, જ્યારે મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ દબાણ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. આ ભેદભાવપૂર્ણ નીતિના વિરોધમાં વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
બર્ધન ચોક વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે પાર્કિંગની જગ્યાઓ પરથી ગેરકાયદે દબાણ હટાવવામાં આવે, કોર્ટના આદેશની ગરિમા જાળવી નો-હોકિંગ ઝોનનો કડક અમલ કરવામાં આવે. સિંધી કલોથ માર્કેટ, દરબાર ગઢ, બર્ધન ચોક અને માંડવી ટાવર આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની વેપારીઓએ ભારપૂર્વક માંગ કરી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પોલીસનો દાવો: વેપારીઓ દબાણ સર્જી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે
વિસ્તારમાં દબાણ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે હંગામી પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ વિસ્તારમાં વેપારીઓ પોતે જ પોતાની દુકાનો સામે દબાણ સર્જન કરે છે. તેમની દુકાનોની આગળ રોડ તરફ અમુક દુકાનદારોએ આશરે 4 ફૂટ જેટલા સિમેન્ટના ઓટલા બનાવેલા છે અને તે ઓટલા પૂરા થાય ત્યાં બે થી ત્રણ ફૂટ જેટલી મોટી લોખંડની ગ્રીલવાળી જાળીઓ પાથરેલી હોય છે.પીઆઇ ચાવડાના મતે, આ ઓટલા અને જાળીઓ મળીને કુલ 6 થી 7 ફૂટ જેટલું રોડ પર દબાણ થાય છે. આટલું દબાણ કર્યા બાદ વેપારીઓ અને તેમના ગ્રાહકો પોતાના વાહનો અહીં પાર્ક કરે છે, જેના કારણે રોડનો અડધો ભાગ વાહન પાર્કિંગ અને દબાણમાં આવી જાય છે. આ પરિસ્થિતિના કારણે બર્ધન ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા મોટા પાયે ખોરવાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વેપારીઓ પોતે અને તેમના ગ્રાહકો દ્વારા આ રીતે દબાણ ઉભું કરીને ટ્રાફિક જામની સ્થિતિ સર્જવામાં આવે છે, ત્યારે કાયદેસરની કાર્યવાહી અનુસાર વાહનચાલકોને દંડ ફટકારવાની ફરજ પડે છે.