જૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણી
ગીરમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ઇકોઝોનનો વિરોધ વધી રહ્યો છે ,જેમ જેમ શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એમ એમ ગીરમાં ઇકોઝોનની આગ દિવસેને દિવસે વધતી જાય છે, દિવાળી, નવરાત્રી બાદ હવે ઉત્તરાયણમાં વિરોધના સુર જોવા મળી રહ્યા છે, ઉત્તરાયણમાં ઈકોઝોંન વિરુદ્ધના નારા સાથેની પતંગો ચગાવી ગીરના દરેક ગામડામાં ઈકોઝોનનો વિરોધ થાય એ માટે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે પ્રોગ્રામો જાહેર કર્યા છે.
આ પ્રોગ્રામ અંતર્ગત જૂનાગઢ ખાતે પ્રવીણ રામે નાટ્યાત્મક રીતે ઉત્તરાયણની ઉજવણી કરી ઇકોઝોનનો વિરોધ નોંધાવ્યો,આ વિરોધના પ્રોગ્રામમાં આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, રાજુભાઇ બોરખતરીયા, હરેશભાઈ સાવલિયા, કિશોરભાઈ, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, નિર્મલભાઈ તેમજ ગીરની સામાન્ય જનતાએ ભાગ લીધો, ઉત્તરાયણની થીમ પરના આ નાટકમાં ગીરની જનતા અને ભાજપ વચ્ચે સવાંદ સર્જાયો, જેમાં ભાજપે ઈકોઝોન નાબૂદ કરવાની ના પાડતા ભાજપને મત આપનાર ગીરની જનતાએ ભાજપની પતંગ કાપી નાખી અને આમ આદમી પાર્ટીના ફુગ્ગા હાથમાં લઈ લીધા હતા.
આ પ્રોગ્રામ બાબતે આપનેતા અને ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે જણાવ્યું કે આ રીતે ઉત્તરાયણની નાટ્યાત્મક રીતે ઉજવણી કરી અમે ભાજપ સરકારને ઇકોઝોન મુદ્દે સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો,આ પ્રોગ્રામથી અમે ભાજપ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાજપ હકીકતમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જેમ નાટકમાં ગીરની જનતાએ ભાજપની પતંગ કાપી નાખી એમ વાસ્તવિકતામાં પણ ગીરની જનતા ગીરમાં સગતી ભાજપની પતંગને કાપી આમ આદમી પાર્ટીની પતંગ ચગાવી દેશે.