બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન
છેલ્લા થોડા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં વિશ્વભર ના હિન્દુ સમાજમાં રોષ અને અન્યાયની લાગણી પ્રવર્તે છે. ઠેરઠેર રેલીઓ કરી અને આવેદનપત્રો આપી હિન્દુ સમાજ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે ત્યારે ગઇકાલે રાજકોટમાં બાંગ્લાદેશમાં લઘુમતી એવા હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરોધમાં સરદાર પટેલના પૂતળાથી કલેકટર ઓફીસ સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. હિન્દુ અસ્મિતા મંચના દ્વારા કલેકટરશ્રી મારફત પ્રધાનમંત્રીને આવેદન પત્ર પાઠવી બાંગ્લાદેશ માં થઈ રહેલા અત્યાચારો બાબત તાત્કાલિક પગલા લેવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. સાંજે 4 કલાકે શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ને વાચા આપવા વિવિધ પ્લે કાર્ડ દર્શાવી બાંગ્લાદેશના હિન્દુઓ ને મદદ કરવા ના આહવાન સાથે મૌન રેલી યોજાઈ હતી.
રેલીને સંબોધતા રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક અટકાવી તેમને રક્ષણ પુરુ પાડવા માંગણી કરી હતી. તેમણે હિન્દુ સમાજને સંગઠિત અને સશક્ત બનીને દરેક આક્રમણનો પ્રતિકાર કરવા આહવાન કર્યું હતું જ્યારે ડો.પરમાત્માનંદજીએ જણાવ્યુ હતુ કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટના બાબતમાં જાગૃતિ અને કાર્યવાહી માત્ર એક જ રાજકીય પક્ષે નહિ પરંતુ સમગ્ર સમાજને કરવી જોઈએ તેમજ બાંગ્લાદેશના આપણા હિન્દુ ભાઈઓની તમામ જવાબદારી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું માનવઅધિકાર હનન બાબતે આતંરરાષ્ટ્રીય સમાજને અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું .
રાજકીય તેમજ વિવિધ સમાજના પ્રમુખો અને આગેવાનો,રાજકોટના મેયર નયનાબેન પેઢીયા, સંઘના અગ્રણી નરેન્દ્ર ભાઈ દવે, કિશોરભાઈ મુગલપરા, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, માધવભાઈ દવે, વલ્લભભાઈ દુધાત્રા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, સહકારી સહકાર ભારતીય ના રાજકોટના અધ્યક્ષ ડો શીલુ તથા વી.પી. વૈષ્ણવ, મુરલીભાઈ દવે, ચમનભાઈ સિંધવ, કિરણબેન માંકડીયા, પુજાબેન પટેલ, ગીરીશભાઈ ભટ્ટ, કીરીટભાઈ પાઠક, જેવા અનેક મહાનુભાવો, વકીલો, સાધુ સંતો, માતા , ભગિનીઓ, સહકારી અગ્રણીઓ બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા.