રક્ષક બન્યા ભક્ષક: કણકોટ રોડ પર 100 ઘટાટોપ લીમડાની કતલ
અનેક પ્લોટ હોવા છતાં લીમડા કાપી આરોગ્ય કેન્દ્ર બનાવવાના અભરખાએ 10 વર્ષ જૂના વૃક્ષોનો સોથ વાળી દેતા દેકારો
વૃક્ષોનું જતન કરી ઉછેરનાર સ્થાનિકોએ એક માસ પહેલા મ્યુનિ. કમિશનર, સ્ટે. ચેરમેનને રજૂઆત કરેલ છતાં આજે સવારથી કાપાકાપી શરૂ કરતાં ભારે રોષ, પર્યાવરણ પ્રેમીની કોર્ટમાં જવાની ચીમકી
વાતાવરણમાં સતત ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. કારબનડાયોક્સાઈડ સહિતના પરિબળો તેમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આ વધવાનું કારણ વૃક્ષોની સતત ઘટતી સંખ્યા હોવાનું સરકાર સહિતના કહી રહ્યા છે અને વૃક્ષારોપણ માટે અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. જેની સામે વૃક્ષો કાપવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. છતાં જે વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. તે કોર્પોરેશન દ્વારા જ ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યાનું આજે ફરી એક વખત બહાર આવ્યું છે. કણકોટ રોડ ઉપર 10 વર્ષ પહેલા વાવવામાં આવેલ અને અત્યાર સુધી જતન કરી ઘટાટોપ કરેલા 100થી વધુ લિમડાના વૃક્ષો આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે કોર્પોરેશને આજે કાપી નાખતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
શહેરના મવડી વિસ્તારમાં આવેલ અતિવિક્ષીત કણકોટ રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 10 વર્ષ જૂના ઓક્સિજન પાર્ક જેવા અંદાજે 100 લીમડાઓ કાપી નાખવાનું કૃત્ય આજે આચરવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. ઓક્સિજન પાર્કની બાજુમાં આવેલ ડ્રિમ સીટી એપાર્ટમેન્ટના 200થી વધુ પરિવારોએ આ લીમડાનું 10 વર્ષથી જતન કર્યુ છે. અને આરોગ્ય કેન્દ્ર મંજુર થતાં આ લોકોએ આરોગ્ય વિભાગ તથા મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડીંગ ચેરમેનને અનેક વખત રજૂઆત કરેલ ત્યારે ફક્ત હૈયાધારણા આપી મનવી લેવામાં આવેલ અને આજે સવારે મજુરો વૃક્ષો કાપવા લાગતા ખાસ કરીને મહિલાઓમાં રોષ વ્યાપી ગયો હતો. અને આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને ફોન કરતા તેઓએ હું જોઈ લઉ છું તેમ કહી વાત ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં 25થી વધુ લીમડાના ઘટાટોપ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતાં.
કણકોટ રોડ ઉપર ઓક્સિજન પાર્કના 100થી વધુલીમડાનું ખુદ તંત્ર દ્વારા નિંકંદન કાઢી નખાતા 10-10 વર્ષથી ઉછેર કરનાર સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો અને મહિલાઓએ ભારે વિરોધ સાથે જણાવેલ કે, આ વિસ્તારનો વિકાસ થયો ન હતો તેમજ રોડ-રસ્તા ન હતાં ત્યારે બાજુના પ્લોટમાં લીમડા વાવી તેનું આજ સુધી જતન કરેલ છે. ઉનાળા દરમિયાન પશુ-પક્ષીઓ આ લીમડાના છાયડામાં આરામ ફરમાવે છે તેમજ બાળકો અને વૃદ્ધોને પણ આ ઓક્સિજન પાર્ક થકી રાહત મળી રહી છે. તેવી જ રીતે બહેનો દ્વારા આ લીમડાના છાયડે યોગાસનના અભ્યા પણ કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક મહાનગરપાલિકાના ખાલી પ્લોટ આવેલા છે. છતાં બિલ્ડરોને લાભ ખટાવવા કે અન્ય મીલીભગત હોયતેમ વૃક્ષો કાપી આરોગ્ય કેન્દ્ર બનાવવાનો અભરખો શાસકો અને કમિશનરને જાગ્યો છે. જેથી આ મુદ્દે ઘટતુ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કોર્ટમાં જવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વોર્ડ કોર્પોરેટરની રજૂઆત પણ સુપર મેયરે ફગાવી
મવડી વિસ્તારમાં કણકોટ રોડ ઉપર વર્ષો પહેલા વાવવામાં આવેલા લીમડાના ઘટાટોપ વૃક્ષો આજે કોર્પોરેશને કાપી નાખ્યા છે. આ સ્થળે આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જેનો વિરોધ વોર્ડ નં. 11 ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ અને શાસકપક્ષના સુપરમેયર સહિતના નેતાઓને આ મુદ્દે રજૂઆત પણ કરેલ તેમજ આરોગ્ય કેન્દ્ર માટે આ વિસ્તારમાં અનેક પ્લોટ છે તેવુ જણાવી સાથો સાથ મવડી આરોગ્ય કેન્દ્રથી આ આરોગ્ય કેન્દ્ર્ર સાવ નજીક બની રહ્યું છે તો જીવરાજ પાર્ક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો લોકોને વધુ લાભ મળી શકે તેમ છે. તે સહિતના મુદ્દાઓ પણ રજૂ કર્યા હતાં પરંતુ હાલ ભાજપમાં અમુક લોકોનું જ ચાલતુ હોય આ કોર્પોરેટરની સારી ભલામણને પણ ફગાવી દેવામાં આવી હતી.
ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળ તપાસ વગર પ્લોટ સોંપી દીધો !
મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રોજેક્ટબનાવવાનો હોય ત્યારે આ પ્લોટ અંગેની તમામ વિગત ટાઉન પ્લાનીંગ વિભાગને મોકલી જગ્યાની માંગણી કરવાનો નિયમ અમલમાં છે આથી આરોગ્ય વિભાગે વોર્ડ નં. 11 માં આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે દરખાસ્ત તૈયાર કરી હતી અને તેના માટે પ્લોટની માંગણી કરેલ જે અનુસંધાને કણકોટ રોડ ઉપર ડ્રીમસીટી હાઈટ્સની બાજુમાં આવેલ પ્લોટની ટાઉન પ્લાનીંગ વિભાગે મંજુરી આપી દીધી હતી. આરોગ્ય વિભાગનો આ પ્રકરણમાં કોઈ દોશ નથી પરંતુ ટાઉન પ્લાનીંગ વિભાગના અમુક નિંભર અધિકારીઓએ સ્થળ તપાસ કરી હોત તો આ સ્થળે ઉભેલા 100થી વધુ લીમડાના વૃક્ષો જોવા મળત. પરંતુ સ્થળ તપાસ વગર જ આરોગ્ય વિભાગને આ પ્લોટ આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ફાળવી દેવામાં આવ્યો જેના લીધે ટાઉન પ્લાનીંગ વિભાગમાં કેટલીક બેદરકારી છે તે ફરી એક વખત સાબિત થઈ છે.
રિ-પ્લાન્ટેશનનો નિયમ ક્યાં ગયો?
મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તા બનાવવા માટે અથવા કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય ત્યારે સ્થળ ઉપર આવતા મોટા વૃક્ષો કાપવાના બદલે તેનું રિપ્લાન્ટેશન કરવાનો નિયમ સરકારે જ બનાવ્યો છે છતાં કણકોટ રોડ ઉપર એક સાથે સેંકડો ઘટાટોપ લિમડાઓનું નિકંદન કાઢવામાં આવ્યું ત્યારે આ નિયમની અમલવારી કેમ કરવામાં ન આવી તેવી ચર્ચા જાગી છે. અને સાથો સાથ આરોગ્ય વિભાગે પણ આ સ્થળ ઉપર હયાત વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન કરાશે તેમ જણાવેલ છતાં એમને પણ ચુપકીદી શા માટે સેવી તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે.
વૃક્ષારોપણના ફોટા પડાવી ઢોંગ કરતા ભાજપી નેતાઓ અને પર્યાવરણ પ્રેમીઓ ગાયબ
શહેરમાં ઉનાળા દરમિયાન ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવવા માટે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બણગાવો ફુંકવામાં આવી રહ્યો છે. આ વર્ષે ફલાણા જગ્યાએ એક લાખ વૃક્ષોનું વાવેતર કરાશે તેમજ પર્યાવરણ દિવસે ભાજપના નેતાઓ અલગ અલગ સ્થળે એક રોપો વાવી ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધી મેળવી વાહ.. વાહી... મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ કોઈ જગ્યાએ એક વૃક્ષ કાપવામાં આવે ત્યારે અમુક બની બેઠેલા પર્યાવરણ પ્રેમીઓ મોટો હોબાળો બોલાવી તંત્રને ભીંસમાં લેવાની કોશીષ કરી ફોટા પડાવી છાપામાં ચમકતા હોય છે. ત્યારે આ વર્ષો જૂના લીમડાઓનું નિકંદન ખુદ કોર્પોરેશન દ્વારા કાઢવામાં આવ્યું છે. જેથી શાસકપક્ષના એટલે કે, ભાજપના તમામ નેતાઓએ ચુપકીદી સેવી લીધી છે અને પર્યાવરણ પ્રેમીઓ પણ ગાયબ થઈ ગયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને સાથો સાથ આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ લીમડા પ્રકરણ મોટો ભાગ ભજવશે તેવી પણ લોક ચર્ચા જાગી છે.