દ્વારકા દર્શનેથી પરત આવતા ગોંડલ પંથકના ભાવિ યુગલનું અકસ્માતમાં મોત
ધુમ્મસના કારણે ખંભાળિયાના લીમડી નજીક કાર પલટી જતાં અકસ્માત : લગ્નના બે મહિના પહેલાં જ બંનેનાં મોતથી પટેલ પરિવારમાં શોક
બે મહિના પછી લગ્નના તાંતણે જોડાનાર ગોંડલ પંથકના ભાવિ દંપતિનું કલ્યાણપુરના લીંબડી નજીક અકસ્માતમાં મોત નિપજતાં ચકચાર મચી જવા પામપી છે. ભાવિ દંપતિ સહિત ચાર લોકો દ્વારકા દર્શનેથી પરત આવતાં હતાં ત્યારે ધુમ્મસના કારણે કાર પલ્ટી ખાઈ પુલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવિ દંપતિનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળીયા-દ્વારકા હાઈ-વે પર લીંબડી ગામના પાટીયા પાસે અચાનક કાર પલટી ખાઈ પુલ નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમાં છાયાબેન ગોપાલભાઈ ગજેરા (રે.નાગવદર,તા.ઉપલેટા) અને હર્ષ દિલીપભાઈ સોજીત્રા (ઉ.25 રહે.ગુંદાળા, તા.ગોંલડ)ને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે તેમની સાથે કારમાં સવાર અન્ય બે લોકો દેવન રોહિતભાઈ વસોયા અને આવૃતિબેન હેમંતભાઈ વસોયા (રે.જામનગર)ને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતક છાયા અને હર્ષની સગાઈ થઈ હતી અને બે મહિના પછી લગ્નના તાતણે જોડાવાના હતાં. બંને પ્રસંગમાં હાજરી આપ્યા બાદ દ્વારકા દર્શને ગયા હતાં. જ્યાંથી પરત આવતી વેળાએ લીંબડી નજીક ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી યુવક યુવતીના પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે