રૂડા બહારના ગામડાંઓમાં ખેતીની જમીનોના સૂચિત જંત્રી દરોમાં અધધધ 6583 ટકા સુધીનો વધારો, ખેડૂતોમાં ભારે ઊહાપોહ
ગુજરાત સરકાર દ્વારા જમીન અને મિલ્કતોની જંત્રી વધારા માટે સુચિત જંત્રીદરો વેબસાઈટ ઉપર મુક્યા છે. ત્યારે ગત વર્ષે 2023માં વધારવામાં આવેલા જંત્રીદરોની સરખામણીએ ત્રણ-ત્રણ હજાર ટકા કરતા પણ વધુ જંત્રીદર વધારો સુચવાયો હોવાનું વેબસાઈટ પરથી જાણી શકાય છે.
રાજ્ય સરકારે નવી જંત્રીનો મુસદો જાહેર કરતા પહેલા દરેક જિલ્લા-તાલુકાના મહેસુલી તંત્ર પાસેથી જમીન-મકાનના વાસ્તવિક ભાવોના રિપોર્ટ મંગાવાયા હતાં.નવી જંત્રી તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં સરવે અને સંશોધનો કરીને જંત્રીના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પરંતુ સરકાર દ્વારા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલા સુચિત જંત્રી દરો જોતા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સ્થળ પર જવાના બદલે ઓફિસોમાં બેસીને જ જંત્રીના સુચિત દરો તૈયાર કરી નાખ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજકોટ તાલુકાના રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા)ની હદ બહાર આવેલા ગામડાઓની જ વાત કરવામાં આવે તો સરકારે નવી જંત્રીના જાહેર કરેલા સુચિત ડ્રાફ્ટ પ્રમાણે જમીનના ભાવો એક હજાર ટકાથી માંડી 6000 ટકા સુધી વધુ આકારવામાં આવ્યા છે.
રાજકોટ તાલુકાના રૂડાની હદ બહારના 63 ગામડાઓની જમીનનીજંત્રીના સુચિત દરો જોવામાં આવે તો અમુક ગામડાઓની જંત્રીમાં તો છ હજાર ટકા કરતા પણ વધુ દર સુચવાયો છે. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોના જંત્રીદરોમાં વાસ્તવિક અને બિનતાર્કિક દર્શાવાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નવા જંત્રીદરોનો ડ્રાફ્ટ જાહેર થયા બાદ ભારે દેકારો અને ઉહાપોહ મચી જવા પામેલ છે.
રાજકોટ તાલુકાના રૂડાની હદ બહાર આવતા 63
ગામ પૈકી 16 ગામડાઓના જંત્રી દરોમાં બે હજાર ટકાથી માંડી 6583 ટકા સુધીનો વધારો સુચવાવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા સુચિત જંત્રીના ડ્રાફ્ટ મુજબ રાજકોટ તાલુકાના રામપર સુર્યા ગામના પિયત ખેતીના ચોરસ મીટરના જંત્રીદર હાલ રૂા. 28 અને બિન પિયતના રૂા. 23 છે. જે નવા સુચિત ડ્રાફ્ટમાં વધારીને ચોરસ મીટરના અનુક્રમે રૂા. 1808 અને રૂા. 1537 કરવામાં આવ્યા છે. એટલે કે, પિયતના જંત્રી દરમાં 6357 ટકા તથા બિન પિયતમાં 6583 ટકાનો વધારો સુચવાયો છે.
આજ રીતે કુવાડવા-વાંકાનેર રોડ ઉપર આવેલ સણોસરા ગામની ખેતીની પિયત જમીનના જંત્રી દર ચો.મી.ના રૂા. 29 અને બિન પિયતના રૂા. 24 છે. તે સીધા વધારીને રૂા. 1818 તથા રૂા. 1545 સુચવાયા છે. એટલે કે, 6169 ટકા અને 6338 ટકા વધારો સુચવાયો છે.
આ સિવાય ચાંચડિયા, ચિત્રાવાવ, હિરાસર, જામગઢ, જીયાણા, ખીજડિયા, લખપર, નાગલપર, નવાગામસર, પીપળિયા, રાણપર, સાજડિયારી સુકી, સર, સાતડા વિગગેરે ગામોના સુચિત જંત્રીદરોમાં પણ બે હજાર ટકાથી માંડી 4800 ટકા સુધીનો વધારો સુચવવામાં આવેલ છે.
રાજકોટ તાલુકાના 500 ટકાથી ઓછો જંત્રીદર સુચવાયો હોય તેવા માત્ર ભંગડા, ગઢડકા અને ખારચિયા એમ માત્ર ત્રણ જ ગામડા છે બાકીના તમામ ગામોમાં 500 ટકાથી વધુ જંત્રી દર વધારો સુચિત ડ્રાફ્ટમાં સુચવવામાં આવ્યો છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે, ગામડાઓમાં લોકોને જંત્રીદર અંગે કોઈ જ્ઞાન જ નથી તેથી સુચિત વધારા સામે વાંધા-સુચનો રજૂ કરે તેવી શક્યતા પણ ખુબ ઓછી છહોય, આગેવાનો ખેડુતોને જાગૃત નહીં કરે તો સુચવવામાં આવેલો જંત્રીદર વધારો કાયમી થઈ જશે.