આંતરજ્ઞાતિ લગ્નમાં વાલીની સહમતી ફરજિયાત કરવાની રજૂઆત
કોડીનારના મિતિયાજ ગામના સરપંચની મુખ્યમંત્રી સમક્ષ અનોખી માંગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે સામાજિક સુમેળ જાળવવા અને પારિવારિક મૂલ્યોને મજબૂત કરવાના ઉદ્દેશથી એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે. મિતિયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ અને અન્ય યુવા સામાજિક કાર્યકરોએ રાજ્ય સરકાર સમક્ષ એક અનોખી કાયદાકીય જોગવાઈની માંગણી કરી છે.
સરપંચ સુરપાલસિંહ બારડ, સામાજિક કાર્યકર લલિત વાળા, શનિભાઈ બારડ, મનુભાઈ પરમાર અને માનસિંહભાઈ મોરી સહિતના આગેવાનોએ કોડીનાર મામલતદાર કચેરી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે, યુવક-યુવતીઓ આંતરજ્ઞાતિ લગ્ન કરે તો તેમના મેરેજ સર્ટિફિકેટમાં માતા-પિતાની ફરજિયાત સહમતી અને સહીનો સમાવેશ થવો જોઈએ.
આગેવાનોના જણાવ્યા અનુસાર, હાલમાં માતા-પિતાની મંજૂરી વિના થતા આંતરજ્ઞાતિ લગ્નોને કારણે માતા-પિતાને સમાજમાં તિરસ્કાર, ટીકા અને સામાજિક દબાણનો સામનો કરવો પડે છે, જેનાથી તેમની માન-મર્યાદા અને સામાજિક પ્રતિષ્ઠા જોખમાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આ જોગવાઈ ઉમેરવામાં આવે તો લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને વાલીની સંમતિ વિના થતા લગ્નોને કારણે પરિવારોમાં સર્જાતા તણાવ અને વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. મિતિયાજ ગામના આગેવાનોની આ પહેલને સમાજમાં વધતા મતભેદો ઓછા કરીને સુમેળ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. હવે રાજ્ય સરકાર આ લોકહિતની માંગ પર કેવો અભિગમ અપનાવે છે, તેના પર સૌની નજર છે.