દ્વારકા જિલ્લાના જળાશયોમાં નહાવા પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નાહવા પડતા વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવતી હોય છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનવા ના પામે તે માટે તકેદારી રાખવી જરૂૂરી છે. આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય, નદી કાંઠે નહાવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષાને ધ્યાને રાખી નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યા વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નહાવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાના જળાશયો (નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઇ યોજનાઓ વિગેરે) પર નહાવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.આ જાહેરનામું તા. 1 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે, વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલા માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી. જુન માસથી દરીયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા માછીમારોને આવી મોસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઇ માછીમાર સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના હોય છે. આથી,આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અંતર્ગત કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિઓએ તા. 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયા (ખાડી વિસ્તાર)માં જવા તેમજ કોઇપણ બોટની અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જર બોટ, નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહી.