એરફોર્સથી ગોકુલનગર સુધી જાહેર માર્ગ પર ખાનગી બસોનો અડિંગો: જાહેરનામાનો ભંગ
ભારે વાહનોના આડેધડ પાર્કિંગથી રાહદારીઓ પરેશાન, તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો રોષ
શહેરના એરફોર્સ ગેટ નંબર 2 થી લઈને ગોકુલનગર સર્કલ સુધીનો મુખ્ય જાહેર માર્ગ હાલમાં ખાનગી બસો સહિતના ભારે વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ભારે ટ્રાફિક સમસ્યા અને અસુવિધાનો ગઢ બની ગયો છે. જાણે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જાહેર જગ્યાને ખાનગી પાર્કિંગ પ્લોટ તરીકે ફાળવી દેવાઈ હોય તે રીતે અહીં રાત દિવસ બસોનો જમાવડો જોવા મળે છે.
આડેધડ પાર્ક થતી અસંખ્ય બસોના કારણે જાહેર માર્ગ સંકુચિત બની જાય છે અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થાય છે. ઘણી બસો તો ફૂટપાથ ઉપર પણ દબાણ કરીને પાર્ક કરવામાં આવે છે, જેથી રાહદારીઓને ફૂટપાથનો ઉપયોગ કરવાને બદલે જીવના જોખમે રોડ પર ચાલવાની ફરજ પડે છે. આ સ્થિતિ સ્થાનિક રહીશો અને આ માર્ગનો ઉપયોગ કરનાર લોકો માટે ભારે પરેશાનીરૂૂપ બની છે.આ અંગે મેજિસ્ટ્રેટ દ્વારા શહેર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ માટે સ્પષ્ટ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, સવારે 9:00 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધી શહેર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે અને આ અંગેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં, એરફોર્સ ગેટ 2 થી ગોકુલનગર સર્કલ સુધીના વિસ્તારમાં આ જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે અને નિયત સમય દરમિયાન પણ અહીં મોટી સંખ્યામાં બસો ખડકાયેલી રહે છે.
જાહેરનામાનો ઉલાળીયો થતો હોવા છતાં અને લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોવા છતાં, જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર જાણે આ સમગ્ર મામલે અંધારામાં હોય અથવા જાણી જોઈને આંખ આડા કાન કરતું હોય તેવો ભાવ લોકો વ્યક્ત કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર પાર્કિંગ હટાવીને જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.