કોલેજોમાં સ્ટાફની અછત અને પીએચડીની ગાઈડનશીપ બાબતે પ્રિન્સિપાલ એસો.નો મોરચો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સર્જાયેલી સ્ટાફની અછત, સંચાલન સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે પ્રિન્સીપાલ એસોસીએશન દ્વારા કુલપતિ સાથે બેઠક કરી નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અગિયાર મુદ્દા બાબતે રજૂઆત કરતાં આ બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી.કુલપતિ સાથે 50 સંચાલકોની મળેલી બેઠકમાં સૌથી વધારે સ્ટાફની અછત અને પીએચડી ગાઈડનશીપ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્ટાફના અભાવે વહીવટી કામગીરીઓ અટવાય પડી છે અને સમયસર કોઈ કામ થતા નથી જેના કારણે હાલાકી પડી રહી છે અને ગાઈડનશીપ ધરાવતાં અધ્યાપકોને કટ ટુ સાઈઝ કરતાં રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.
અધ્યાપકોને ગાઈડનશીપ આપવા માટે ભાર મુકવામાં આવ્યો હતો.આ ઉપરાંત એસોસીએશને કોલેજના અધ્યાપકને અનુસ્નાતક શિક્ષક તરીકેની માન્યતા આપવા, ડિગ્રી અભ્યાસક્રમનું સાતમું અને આઠમું સેમેસ્ટર માટેનું જરૂરી આયોજન અને સ્પષ્ટતા કરવા, શૈક્ષણિક સ્ટાફની સતત અછત, વહીવટી સ્ટાફની સતત અછત, એકેડેમીક કેલેન્ડરને ધ્યાનમાં રાખીને વિવિધ સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરવામાં આવે પરીક્ષાની તારીખ પરિણામની સંભવિત તારીખ પણ અગાઉથી જ જાહેર કરી શકાય તેવું આયોજન કરવામાં આવે. પ્રશ્ર્નપત્ર સેટ કરવાની જવાબદારી જે અધ્યાપકને સોંપવાની હોય તેને અગાઉથી જાણ કરી દેવામાં આવે.
જે તે વિષયની પ્રેકટીકલ પરીક્ષા માટે અધ્યાપન અને પ્રેકટીકલ કરાવતા માન્ય અધ્યાપકને પસંદ કરવામાં આવે તે જરૂરી છે.ઓનલાઈન પરિણામ જાહેર થયા પછી તુરંત જ માર્કશીટ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, જીસીએએસ પોર્ટલના આધારે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અમુક કામગીરી બેવડાઈને તે માટે યોગ્ય સંકલન કરવામાં આવે, અધ્યાપકઓને પ્રશ્ર્નપત્ર મૂલ્યાંકનના મહેનતાણું ઝડપથી ચુકવવામાં આવે. યુવક મહોત્સવ માટે એન્ટ્રી ફોર્મ રૂબરૂ જમા કરાવવાનું આગ્રહ રાખવામાં આવે છે તે જરૂરી નથી સહિતના મુદ્દે વહેલી તકે યોગ્ય કરવા રજૂઆત કરી હતી.