સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધા
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને શિક્ષણજગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીઓની હાજરીમાં જ પ્રિન્સીપાલ પર હાથ ઉપાડતા ગંભીર વિવાદ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામચરણ લલિત શેઠી મંગળવારે શાળામાં હાજર હોવા છતાં તેમણે સમયસર પોતાનો કોઈપણ વર્ગ લીધો ન હતો. આ બેદરકારી શાળાના પ્રિન્સીપાલ અનોશ મંગળસિંહ સેમસંગના ધ્યાનમાં આવી હતી. ફરજ પ્રત્યેની બેદરકારી અંગે પ્રિન્સીપાલ સેમસંગ ખુલાસો માંગવા માટે શિક્ષક રામચરણ શેઠી પાસે ગયા હતા. પરંતુ, ખુલાસો માંગતા જ શિક્ષક રામચરણ શેઠી ગુસ્સાથી ભરાઈ ગયા હતા. આવેશમાં આવીને તેમણે તમામ મર્યાદાઓ અને શૈક્ષણિક ગરિમા નેવે મૂકી દીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સામે જ શાળાના પ્રિન્સીપાલ અનોશ મંગળસિંહ સેમસંગને બે લાફા ઝીંકી દીધા હતા.
શિક્ષક દ્વારા પ્રિન્સીપાલ પર હુમલો કરવાની આ ચોંકાવનારી ઘટનાથી માત્ર શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ સમગ્ર દાહોદનું શૈક્ષણિક જગત સ્તબ્ધ થઈ ગયું છે. એક શિક્ષક દ્વારા શિસ્તભંગનું આટલું ગંભીર કૃત્ય કરવામાં આવતાં શાળાઓમાં શૈક્ષણિક માહોલ અને વિદ્યાર્થીઓ પર થતી તેની અસર અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ શિક્ષક વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.