છાયામાં શિક્ષિકાના ત્રાસથી આચાર્યનો આપઘાત
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને રીણાવાડાની સરકારી પ્રાથમિક શાળના આચાર્યએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. શાળાના જ શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી લીધાનો મૃતક આચાર્યના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. જેને લઇ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
આ બનાવની વિગત મુજબ, પોરબંદર તાલુકાના રીણાવાડા ખાતે આવેલી સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા જગદિશગીરી ગોસ્વામીએ આજે સવારના સમયે પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતાં તુરંત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા હતા. તે દરમિયાન રસ્તામાં તેમનું મોત થયું હતું.
મૃતકના પુત્ર કૃણાલે એવા આક્ષેપ કર્યા હતા કે, તેમના પિતા જગદિશગીરી ગોસ્વામી સાથે સરકારી શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ તેમના વિરૂૂદ્ધ અવારનવાર ફરિયાદો કરી અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી મારા પિતાએ આપઘાત કરી લીધો છે.
આ બનાવને લઇ કમલાબાગ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બનાવને લઇ મૃતકના પરિવાજનોના નિવેદન નોંધી અને તપાસ હાથ ધરી હતી.
શિક્ષણ જગતમાં એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે, શિક્ષિકા દ્વારા આચાર્ય અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટર સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનું કહેવાયું છે. આચાર્ય અને શિક્ષિકાનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આજે સરકારી શાળાના આચાર્યએ ઝેરી દવા પી અને આપઘાત કરી લેતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.
પોરબંદરના રીણાવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યના આપઘાત અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ.કે.પરમારે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે શિક્ષિકાની ફરિયાદ મળી હતી. જેના આધારે એક ટીમ તપાસ અર્થે શાળા ખાતે મોકલવામાં આવી હતી. તેનો રિપોર્ટ મને મળે તે પહેલાં આચાર્યના આપઘાતના સમાચાર મળ્યા છે. આ બાબતે રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે.