કાલે વડાપ્રધાનની દ્વારકા-રાજકોટમાં જાહેર સભા
- આજે રાત્રે જામનગરમાં રોડ-શો, કાલે બપોરે રાજકોટમાં જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધીનો રોડ શો અને જાહેર સભા
- કાલે સવારે બેટદ્વારકા અને દ્વારકાધીશ મંદિરે દર્શન કરી સુદર્શન સેતુ સહિત રૂા.4 હજાર કરોડથી વધુના કામોના લોકાર્પણ તેમજ જાહેર સભા સંબોધશે
- આવતીકાલે બપોર બાદ રાજકોટમાં એઈમ્સ સહિત રૂા. 48 હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- રાજકોટ-જામનગર-દ્વારકામાં સજ્જડ બંદોબસ્ત, ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે ગુજરાતમાં 57 હજાર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા બાદ આજે સાંજથી ફરી સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. અને આવતીકાલે રવિવારે વડાપ્રધાન મોદી દ્વારકાના સિગ્નેચર બ્રિજ તેમજ રાજકોટમાં એઈમ્સ સહિત અનેક પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરનાર છે.
વડાપ્રધાન મોદી આજે રાત્રે 9:10 કલાકે જામનગર આવી પહોંચશે અને રાત્રી રોકાણ પણ જામનગર સરકીટ હાઉસ ખાતે કરનાર છે. આ પૂર્વે એરપોર્ટથી સરકીટ હાઉસ સુધીનો રોડ શો પણ યોજાનાર છે. જ્યારે આવતી કાલે રવિવારે વડાપ્રધાન મોદી સવારે 7:35 કલાકે જામનગરથી હેલિકોપ્ટર માર્ગે દ્વારકા પહોંચશે. અને સવારે 7:45 વાગ્યે બેટ દ્વારકા મંદિરે દર્શન કર્યા બાદ સવારે 8:25 વાગ્યે નવ નિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે અને સવારે 9:30 વાગ્યે ભગવાન દ્વારકાધિશના દર્શન કરશે જ્યારે બપોરે 12:15 કલાકે વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરસે તેમજ જંગી જાહેરસભાને સંબોધન કરશે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી રવિવારે બપોરે 3:30 કલાકે રાજકોટ એઈમ્સની મુલાકાત લેશે એઈમ્સના મેદાનમાં બનાવવામાં આવેલ હેલીપેડ ખાતે જ ઉતરાણ કરી નવનિર્મિત એઈમ્સના વિવિધ વિભાગોનું લગભગ 15 મીનીટ સુધી નિરિક્ષણ કરશે.
આ દરમિયાન 4:45 વાગ્યે એઈમ્સથી હેલિકોપ્ટર માર્ગે રાજકોટના જૂના એરપોર્ટ પહોંચસે એન ત્યાંથી રેસકોર્સ મેદાન સુધીનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે અને ત્યાર બાદ રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના રૂા. 48 હજાર કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરનાર છે.રાજકોટનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન મોદી વિમાન માર્ગે ફરી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ ખાતે સજ્જડ બંદોબસ્ત ગોઠવાયેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એન.એસ.જી. તથા એસ.પી.જી.ની ટીમો તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને દ્વારકા અને રાજકોટ ખાતે જાહેરસભાઓ સંબોધન કરનાર હોય, બન્ને સ્થળે ત્રિ-સ્તરિય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડાપ્રધાનના પ્રવાસના પગલે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીે રાજકોટ તથા જામનગર અને દ્વારકાની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરિક્ષણ કર્યુ હતું. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આજે રાજકોટ આવી પહોંચ્યા છે.
વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ ડો. મનસુખ માંડવિયા, પરસોતમભાઈ રૂપાલા તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ પણ જોડાનાર છે.
રાજકોટમાં યોજાનાર જાહેરસભામાં એક લાખ લોકો એકત્ર કરવા તંત્ર અને ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
એક અઠવાડિયામાં પાંચ સભા
આગામી લોકસભાની ચુંટણી પૂર્વે વડાપ્રધાન તા. 22 અને 23 દરમિયાન અમદાવાદ, નવસારી અને મહેસાણા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને ત્રણ જાહેરસભા સંબોધી હતી. ત્યાર બાદ રવિવારે દ્વારકા અને રાજકોટ ખાતે જાહેરસભા સંબોધનાર છે. આમ માત્ર એક અઠવાડિયામાં જ વડાપ્રધાનની સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાંચ જાહેરસભા યોજાઈ છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા વડાપ્રધાને ગુજરાતમાં એક રાઉન્ડ પૂરો કરી લીધો છે. અને ચુંટણી જાહેર થયા બાદ પણ તેમની જાહેરસભાઓ યોજાનાર છે.
આજનો કાર્યક્રમ
રાત્રે 09:10 વાગ્યે જામનગર પહોંચશે વડાપ્રધાન રાત્રે જામનગરમાં રોકાશે
કાલનો કાર્યક્રમ
25 ફેબ્રુઆરી 2024
સવારે 07:35 કલાકે બેટ દ્વારકા ખાતે આગમન
07:45 કલાકે બેટ દ્વારકા મંદિરે દર્શન
સિગ્નેચર બ્રિજ 08:25 કલાકે લોકાર્પણ કરવામાં આવશે
09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે
બપોરે 12:15 ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધન
03:30 વાગ્યે રાજકોટ એઈમ્સની મુલાકાત લેશે
04:45 કલાકે રેસકોર્સ મેદાનમાં જાહેર સભા
રાત્રે 08:00 વાગ્યે રાજકોટથી દિલ્હી પ્રસ્થાન
એઈમ્સના થ્રીડી મોડલની પ્રતિકૃતિ પીએમને ભેટ અપાશે
રાજકોટના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ થ્રીડી એઇમ્સ મોડેલ વડાપ્રધાનને ભેટ ધરવામાં આવશે.આ અંગે આર.કે. યુનિવર્સિટીના અમિત તન્નાએ જણાવ્યું છે કે, આર.કે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ખોડીદાસભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં સહિયારા પ્રયાસો અને કલાકોની મહેનત બાદ 48 CM x 36 CM x 15 CM સાઈઝની રાજકોટ એઈમ્સની પ્રતિકાત્મક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાા પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદગીરી રૂૂપે આ પ્રતિકૃતિ કાઠિયાવાડની મોંઘેરી પરોણાગત સ્વરૂૂપે ભેટ અપાશે. જયારે જસદણના બજરંગ હસ્તકલાના કારીગર સાગરભાઈ રાઠોડ અને તેમની ટીમ (Wood Carving Oxidases Aims Model) દ્વારા 17x27 ઇંચની એઈમ્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે.