હાઇસ્પીડ બુલેટ ટ્રેનની ગતિની સમીક્ષા કરતા વડાપ્રધાન
પી.એમ.એ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટીમ સાથે વાર્તાલાપ કર્યો : બુલેટ ટ્રેનના અમલમાંથી મેળવેલા અનુભવોને દસ્તાવેજીકૃત કરવાના મહત્ત્વ પર ભાર મૂકયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત, ગુજરાત ખાતે ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીમ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. અને પ્રોજેક્ટની પ્રગતિ વિશે પૂછપરછ કરી, જેમાં ઝડપ અને સમયપત્રકના લક્ષ્યાંકોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે જાણ્યું હતું. કામદારોએ તેમને ખાતરી આપી કે પ્રોજેક્ટ કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી આગળ વધી રહ્યો છે.
કેરળના એક ઇજનેરે નવસારી, ગુજરાતમાં આવેલી નોઇઝ બેરિયર ફેક્ટરીમાં કામ કરવાના તેમના અનુભવ વિશે જણાવ્યું હતું, જ્યાં રીબાર (સળિયા)ના પાંજરાઓને વેલ્ડિંગ કરવા માટે રોબોટિક એકમો તૈનાત કરવામાં આવી રહ્યા છે. મોદીએ તેમને પૂછ્યું હતું કે તેઓ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન બનાવવાનો અનુભવ વ્યક્તિગત રીતે કેવી રીતે જુએ છે, અને આ ઐતિહાસિક સિદ્ધિ વિશે તેઓ તેમના પરિવારો સાથે શું વહેંચે છે. તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેનમાં યોગદાન આપવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો., અને તેને ડ્રીમ પ્રોજેક્ટ અને તેમના પરિવાર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
રાષ્ટ્રીય સેવાના ભાવ પર વિચાર કરીને, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે દેશ માટે કામ કરવાની અને કંઈક નવું યોગદાન આપવાની લાગણી ઉભી થાય છે, ત્યારે તે પ્રચંડ પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. તેમણે ભારતની અવકાશ યાત્રા સાથે સરખામણી કરી, યાદ અપાવ્યું હતું કે દેશનો પ્રથમ ઉપગ્રહ છોડનારા વૈજ્ઞાનિકોને કેવું લાગ્યું હશે, અને આજે સેંકડો ઉપગ્રહો છોડવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે જો અહીં મેળવેલા અનુભવો રેકોર્ડ કરવામાં આવે અને બ્લુ બુકની જેમ સંકલિત કરવામાં આવે, તો દેશ બુલેટ ટ્રેનોના મોટા પાયે અમલની દિશામાં નિર્ણાયક રીતે આગળ વધી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે પુનરાવર્તિત પ્રયોગો ટાળવા જોઈએ અને તેના બદલે હાલના મોડેલોમાંથી શીખેલા અનુભવોની નકલ કરવી જોઈએ. એક કર્મચારીએ કવિતા દ્વારા પોતાની પ્રતિબદ્ધતાના હૃદયસ્પર્શી શબ્દો વ્યક્ત કર્યા, જેને પ્રધાનમંત્રીએ તેમની નિષ્ઠાની પ્રશંસા કરીને સન્માન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા.