જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે એટલે તા. 20 ને શનિવારે ભાવનગરની મુલાકાતે આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર ઊંધા માથે થઈ ગયું છે અને બેઠકોનો દૌર વધારી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પીએમના કાર્યક્રમને લઈ ને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ સહિતના કામો શરૂૂ કરવામાં આવ્યા છે.
પીએમ મોદીની શનિવારે ભાવનગર મુલાકાતની મિનિટ્સ ટુ મિનિટ્સનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. પરંતુ પ્રધાનમંત્રી સંભવત્ સવારે 10-30 કલાકે ભાવનગર આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓનું જિલ્લા કલેક્ટર દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. 27 કમિટીની રચના થઈ છે, તેની કમાન વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓને સોંપાઈ છે. તેમની નીચે વર્ગ-4ના કર્મચારીઓ પણ અલગ-અલગ ફરજ બજાવશે. પીએમના કાર્યક્રમને લઈ વહીવટી અધિકારીઓ, રાજકીય પક્ષો, નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર તંત્રના ઉચ્ચ અધિકારીઓએ બેઠકો યોજવામાં આવી રહી છે.
પીએમ મોદીની ભાવનગર મુલાકાતનો કાર્યક્રમ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચીત બન્યો છે. રાતો રાત ખાડા બુરાઈ ગયા છે અને રસ્તા ચકાચક બની ગયા છે. યુવાનો રીલ્સ બનાવી રાજકારણીઓ અને સરકારી તંત્રના પાપે ભાવનગરના થયેલા ભુંડા હાલની વેદના વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રશ્નોની હારમાળાનું લાંબુ લિસ્ટ મુકી સાહેબ (પ્રધાનમંત્રી) ત્રણ-ચાર મહિને ભાવનગર આવતા રહે તો શહેરની સૂરત બદલાઈ જાય તેવો કટાક્ષ પણ કરી રહ્યા છે. તંત્ર ધારે તો રોડ સહિતનાકાર્યો ફટાફટ કરી શકે છે. પરંતુ માત્ર સાહેબ આવતા હોય ત્યારે જ આમ ઝડપી કામ થાય છે. એટલે લોકો એવું ઈચ્છે રહ્યા છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ તંત્ર આ રીતે કામ કરે.