સાસણ (ગીર)માં રોમાંચક સિંહદર્શન કરતા વડાપ્રધાન
અઢી કલાકથી વધુ વનરાજીનો નજારો માણ્યો, સિંહસદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં હાજરી આપી પ્રોજેક્ટનું કર્યુ લોન્ચિંગ
કેશરી ડાલામથાઓના નિવાસસ્થાન સાસણ ગીરની મુલાકાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા અને સવારે પોણા સાત વાગ્યે ભાંભાફોળ નાકાથી સિંહદર્શન માટે રવાના થયા હતાં અને લગભગ 9.30 કલાકે સિંહદર્શન કરીને પરત ફર્યા હતાં. વડાપ્રધાને ખુલ્લી જીપમાં બેસીને જંગલની વનરાજી માણવા સાથે સિંહદર્શન કર્યા હતા. સિંહદર્શન કરીને પરત ફરેલા વડાપ્રધાન મોદીનો કાફલો સીધો સિંહસદન ખાતે પહોંચ્યો હતો. અને અહીં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં ભાગ લીધો હતો.
સાસણમાં સિંહ દર્શન અને વર્લ્ડ વાઈલ્ડ લાઈફની બેઠક પૂર્વે વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા એક્સ ઉપર વઈલ્ડ લાઈફનો એક વીડિયો પણ મુક્યો હતો.
સિંહ દર્શન દરમિયાન કલેક્ટર અને ફોરેસ્ટના સ્થાનિક અધિકારીઓ પણ વડાપ્રધાન સાથે રહ્યા હતા અને સિંહ સવર્ધન તથા સાસણના જંગલના વિકાસ અંગે માહિતી આપી હતી.
વડાપ્રધાને ગઈકાલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ રાત્રી રોકાણ પણ કર્યુ હોય, સમગ્ર સાસણમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પીએમ મોદીની સાસણ ગીરની મુલાકાતને લઈને લોકોમાં અને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે સાસણ ખાતે પોલીસ અને પ્રશાસન વિભાગ સજ્જ જોવા મળ્યું હતું. તેમની સુરક્ષાને લઈને ત્યાં પુરતી તૈયારીઓ કરવામાં આવી હતી.
સાથે જ તેમના આગમને લઈને સાસણ ખાતે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. તેમના પહોંચતાની સાથે જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.
પીએમ મોદીના આગમનને જોતા સુરક્ષા બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો હતો. પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં સાસણ ખાતે આયોજિત સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ છે જેથી 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કર્યુ હતું. ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી છે તે જોતાં આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓ લોકાર્પણ કર્યુ હતું.