મુન્દ્રાના વડાલા પાસે ટ્રેન નીચે પડતું મૂકી પૂજારી દંપતીનો આપઘાત
આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ: બે વર્ષનો પુત્ર નોધારો બન્યો
મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના દંપતીએ ગત મોડી રાત્રિના અરસામાં રેલવે ટ્રેક ઉપર માલગાડી નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. સમાજના દેવમંદિરમાં પૂજારી તરીકે કામ કરતા 25 વર્ષીય યુવકે પોતાની પત્ની સંગાથે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતા ગોસ્વામી સમાજ સાથે સમગ્ર મુન્દ્રા પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બનાવ અંગે મુન્દ્રા મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મુન્દ્રા મરીન પોલીસ મથકે નોંધાયેલી પ્રાથમિક વિગતો અને સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત સોમવાર રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં મુન્દ્રા તાલુકાના વડાલા રેલવે ફાટક નજીક ગુંદાલા ગામના બ્રિજેશ ગિરી ગોસ્વામી અને તેમના પત્ની રંજન બેને સજોડે ઘસમસ્તી આવતી માલગાડી નીચે ઝંપલાવી દેતા ગંભીર ઇજાઓના કારણે બન્ને પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મુન્દ્રા મરીન પોલીસે આ મામલે પ્રાથમિક વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જીવ ગુમાવનાર દંપતીને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. હતભાગી ગુંદાલા સ્થિત સમાજના દેવસ્થાનમાં પૂજારી તરીકે સેવા આપતા હતા.