દબાણ હટાવવા સપાટો: બર્ધનચોક, દરબારગઢ, સાધના કોલોની રોડ પર તંત્ર ત્રાટક્યું
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવા સતત બે દિવસ કાર્યવાહી, 40 જેટલા ગેરકાયદે હોર્ડિંગ્સ પણ હટાવાયા
શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો અને ગેરકાયદે ખડકાયેલા બાંધકામો તથા અન્ય અવરોધો દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા બે દિવસથી વિસ્તૃત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા બર્ધનચોક વિસ્તાર, ઐતિહાસિક દરબારગઢ સર્કલ અને સાધના કોલોની રોડ સહિતના વિસ્તારોમાં શનિવાર અને રવિવાર એમ સતત બે દિવસ કાર્યવાહી કરીને અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
શનિવારે બપોરે બર્ધનચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુથી દબાણ હટાવ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ પર ઉભેલી આશરે 14 જેટલી રેંકડીઓ અને એક દુકાનનું કાઉન્ટર કબજે લેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારને તાત્કાલિક દબાણમુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, આ કાર્યવાહી સમયે મોટી સંખ્યામાં રેંકડીધારકો અને લોકો એકઠા થયા હતા. કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. અમુક દુકાનદારોએ દુકાન બહાર વાહનો પાર્ક કરતા હોવાથી રાતોરાત પીળા પટ્ટા લગાવી દેવાતા તેઓ પણ રોષે ભરાયા હતા અને તેમણે પણ બંધ પાળી તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રવિવાર, રજાનો દિવસ હોવા છતાં, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દબાણ હટાવ ઝુંબેશને અવિરત ચાલુ રાખી હતી. સિટી એ. ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરબારગઢ સર્કલ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં ફરીથી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ દબાણ હટાવ્યા બાદ કેટલાક ધંધાર્થીઓ દ્વારા ફરીથી રેકડી, પથારા સહિતના દબાણો ખડકી દેવામાં આવ્યા હોવાથી આ કાર્યવાહી જરૂૂરી બની હતી. આ કાર્યવાહી સમયે ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ થયું હતું, જેમાં ખાસ કરીને કટલેરીના માલસામાનવાળા ધંધાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે, તંત્રએ કોઈપણ પ્રકારની મચક આપ્યા વિના તમામ દબાણો હટાવી લીધા હતા. દબાણ ઝુંબેશ દરમિયાન કેટલાક રેકડીઓ, પથારાઓ, લાકડાના ટેબલ, લોખંડના પલંગ, પ્લાસ્ટિકની ખુરશીઓ, સ્ટુલ વગેરે સહિતનો સામાન જપ્ત કરી લેવાયો હતો. જપ્ત કરાયેલો તમામ સામાન બે જેટલા ટ્રેક્ટરમાં ભરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો હતો.
દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે જામનગરના સાધના કોલોની માર્ગ પર ખાનગી પાર્ટીઓ દ્વારા ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા જાહેરાતના બોર્ડ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલીક ખાનગી પાર્ટીઓએ પોતાના વેપાર ધંધાના લોકેશન બતાવવા માટે લોખંડના એંગલ ઉભા કરીને તેના પર જાહેરાતના બોર્ડ લગાવી દીધા હતા. આવા અલગ અલગ 40 જેટલા લોખંડના એંગલને જમીનમાંથી કાપીને દૂર કરવામાં આવ્યા હતા. હટાવવામાં આવેલા તમામ 40 જેટલા સાઇનિંગ બોર્ડ અને તેના એંગલને જપ્ત કરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.