ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇ
દબાણકર્તાઓ વિરુદ્ધ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી જે નામંજૂર કરાતા કરી કાર્યવાહી
ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં ગામતળ માટે નિયત કરાયેલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ગત તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાળાસર ગામના સર્વે નંબર 129/1 (જૂનો સર્વે નંબર 164) વાળી આ જમીન વર્ષ 2009માં તત્કાલીન નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગામતળ તરીકે નિયત કરવામાં આવી હતી. આ જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હતું. દબાણકર્તાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી.
દબાણ દૂર થવાથી હવે આ ગામતળની જમીનમાં પ્લોટ પાડી શકાશે, જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે થઈ શકશે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ચોટીલાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય રેવન્યુ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.