રાષ્ટ્રપતિ કાલથી રાજકોટ- સોમનાથ-દ્વારકાના પ્રવાસે
સાસણ ખાતે પણ સિંહ દર્શન કરશે, સજજડ સુરક્ષા ગોઠવાઇ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તા.9થી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. આ વીવીઆઈપી મુલાકાતને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
રાષ્ટ્રપતિ આવતીકાલે સાંજે 6:00 કલાકે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. તા. 10મીના રોજ સવારે 10:00 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી હિરાસર એરપોર્ટ જવા રવાના થશે.
હિરાસર એરપોર્ટ પરથી તેઓ સીધા જ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે બપોરે 12:00 વાગ્યે તેઓ સોમનાથ દાદા દર્શન કરશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે. ભોજન બાદ તેઓ સાસણ ખાતે સિંહ દર્શન માટે જવા રવાના થશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.
11મી તારીખે સવારે તેઓ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે. દ્વારકા મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન અને બપોરનું ભોજન લીધા બાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે. જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.
રાષ્ટ્રપતિના રાજકોટ ખાતેના રાત્રિ રોકાણને લઈને કલેક્ટર તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. તેમની સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી 50 જેટલા અધિકારીઓને સોંપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્કિટ હાઉસ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર ‘નો-ડ્રોન-ઝોન’ જાહેર
રાષ્ટ્રપતિના પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈ સુરક્ષામાં સહેજ પણ કચાશ ન રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરના તમામ વિસ્તારોને પનો-ડ્રોન-ઝોનથ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર, સુરક્ષાના કારણોસર શહેરના એક પણ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સઘન પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.