ગીરના સાવજ-સીદી સમાજને મળી રાષ્ટ્રપતિ રોમાંચીત; દ્વારકાધિશના દર્શન કર્યા
ગઇકાલે સવારે દીકરી ઇતિશ્રી સાથે સોમનાથ જ્યોતિર્લિંના દર્શન-આરતી કરી સાસણમાં 4 કલાક સિંહ દર્શન કર્યા ; સાંજે સીદી મહિલાઓ સાથે આત્મીય મુલાકાત કરી તમામને ભેટ અર્પણ કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે બીજા દિવસે રાષ્ટ્રપતિએ સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. ત્યાર બાદમાં સાસણ ગીરમાં સિંહદર્શન કરવા પહોંચ્યા હતાં. સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રાત્રિરોકાણ સાસણમાં જ કરવાના છે. જ્યારે આજેે સવારે દ્વારકા જવા રવાના થયા હતા. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમનાથથી હેલિકોપ્ટર મારફતે સાસણ પહોંચ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલા ભાલછેલ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવકુમાર, વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ દ્રૌપદી મુર્મૂ બપોરે 4 વાગ્યા આસપાસ સાસણ ગીર ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા.
જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ સિંહ દર્શન માટે સફારી પાર્ક રવાના થયા હતા. આ દરમિયાન તેમની સાથે વન મંત્રી મુળુભાઈ બેરા પણ સિંહ દર્શન માટે રવના થયા હતા. ભભા ફોલ નાકાથી રાષ્ટ્રપતિએ ખુલ્લી જિપ્સીમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્સ્યુરીના સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેમણે કૃદરતી વાતાવરણમાં એશિયાઇ સિંહોના દર્શન કર્યા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો.
સાંજે 7 વાગ્યા આસપાસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સફારી પાર્કથી સિંહ સદન પરત ફર્યા હતા. જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. તેને લઈને તમામ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિંહ સદન વન વિભાગનું અતિથિગૃહ છે. જે વીઆઇપી અને મહાનુભવોના રોકાણ માટે જાણીતું છે.રાષ્ટ્રપતિ સાસણ-ગીરના સ્થાનિક આદિવાસી (સીદી સમાજ) મહિલાઓ સાથે બેઠક યોજી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
આદિવાસી મહિલાઓ સદીઓથી ગીર જંગલની અંદર નેસડાઓમાં રહે છે અને સિંહો સાથે સહઅસ્તિત્વ જાળવીને વન્યજીવ સંરક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન, પરંપરાઓ અને પડકારો વિશે જાણકારી મેળવી હતી. રાષ્ટ્રપતિની આ મુલાકાત સ્થાનિક મહિલાઓ અને તેમના સશક્તિકરણ માટે પ્રોત્સાહનરૂૂપ બની રહી છે. તેમણે તમામ મહિલાઓને ભેટ પણ આપી હતી.
રાષ્ટ્રપતિની મુલાકાત સમયે જ બ્રહ્મસમાજ- ટ્રસ્ટ વચ્ચે વિવાદ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ દર્શને આવેલ ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બ્રાહ્મણોની અવગણના થતા સ્થાનિક બ્રાહ્મણો રોષે ભરાયા. યોગ્ય રજૂઆત કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટની ઓફિસે બહોળી સંખ્યામાં પહોંચ્યા. ટ્રસ્ટની ઓફિસે પહોચતા ટ્રસ્ટના જનરલ મેનેજર મળેલ નહતાં સ્થાનિક ભૂદેવો ની માંગ છે કે મંદિરમાં પારંપારિક અધિકાર માત્રને માત્ર સોમપુરા બ્રાહ્મણ સમાજનો જ છે અને રહેશે. ઉપરોક્ત બાબતે રજૂઆત કરતા મેનેજરે જણાવેલ કે આ બધું કલેક્ટર ની સૂચના મુજબ થયું છે...કલેક્ટર સાથે ટેલિફોનીક વાત કરતા જણાવેલ કે અન્ય જે 40 જેટલા ભૂદેવો મંદિરમાં હતા તેનાથી હું અજાણ છું. તેમ સોમપુરા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવેલ છે.