રાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસે
આજે રાત્રી રોકાણ રાજકોટમાં, કાલે સોમનાથ મહાદેવને શીશ નમાવી સાસણમાં કરશે સિંહ દર્શન, શનિવારે દ્વારકાધીશના દર્શન કરશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે સાંજથી ત્રણ દિવસ રાજકોટ-સોમનાથ-સાસણ અને દ્વારકાની મુલાકાતે આવનાર છે ત્યારે વહિવટીતંત્ર અને પોલીસતંત્ર એકશન મોડમાં આવી ગયા છે. આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે જયાં પ્રોટોકોલ મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે અને ત્યારબાદ રાજકોટ સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે.
રાષ્ટ્રપતિના રાત્રી રોકાણના કારણે સરકીટ હાઉસમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે અને સામાન્ય લોકોને સરકીટ હાઉસમાં નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને 1571 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટમાં રાત્રી રોકાણ બાદ આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે રાજકોટથી સોમનાથ રવાના થશે.
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભારતના રાષ્ટ્રપતિ 10 ઓક્ટોબરે આવી રહ્યા હોય જે અંગેની તાડ માર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે રાષ્ટ્રપતિ 10 ઓક્ટોબરે રાજકોટ એરપોર્ટ ઉપરથી ખાસ હેલીકોપ્ટર માં વારે 11 વાગ્યે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ હેલીપેડ ખાતે પધારશે જ્યાં તેમનું જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા ફુલ દસ્તા આપી ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
અને પોલીસ ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવશે તે બાદ કારમાં રાષ્ટ્રપતિ સોમનાથ મંદિર જવા પ્રસ્થાન કરશે ત્યાં સરદાર વંદના દર્શન અને પૂજા બાદ સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ અને ભોજન બાદ બપોરે ત્રણ વાગે સાસણ જવા પ્રસ્થાન કરશે.
પોલીસના અંદાજે 1200 જવાનો રાષ્ટ્રપતિના બંદોબસ્ત કાર્યક્રમમાં જોડાયેલા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ સાસણગીરમાં સિંદ દર્શન કરશે અને રાત્રી રોકાણ પણ સાસણમાં જ કરશે.
11મી તારીખે સવારે તેઓ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે. દ્વારકા મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન અને બપોરનું ભોજન લીધા બાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે. જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.
1571 પોલીસ જવાનો, 50 અધિકારીઓને જવાબદારી
રાષ્ટ્રપતિના રાજકોટ ખાતેના રાત્રિ રોકાણને લઈને કલેક્ટર તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. તેમની સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી 50 જેટલા અધિકારીઓને સોંપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્કિટ હાઉસ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. તેમજ 1571 પોલીસ જવાનો સાથે 4 ડીસીપી, 8 એસપી, 16 પી.આઇ અને 40 પીએસઆઇને ફરજ સોંપાઇ છે.