રાષ્ટ્રપતિ મુર્મુ તા.10-11 ઓકટોબરે સાસણની મુલાકાતે
ગુજરાતના સૌથી ફેવરીટ પ્રવાસન સ્થળો પૈકીના એક ગીર અભ્યારણ્ય આ વર્ષે 16 ઓકટોબરના બદલે 7 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ તા.10 અને 11 ઓકટોબરે સાસણ ગીરની મુલાકાતે આવનાર છે અને સિંહ દર્શન કરનાર હોવાનું જાણવા મળે છે.
સામાન્ય રીતે, વન્યજીવ સંવર્ધન અને સંરક્ષણ માટે, ગીર અભયારણ્ય દર વર્ષે 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહે છે. જોકે, વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કામચલાઉ કાર્યક્રમમાં 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની બે દિવસની મુલાકાતનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, વન વિભાગે એક મોટો નિર્ણય લીધો છે કે ગીર અભયારણ્યના દરવાજા 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.
રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, સાસણ ગીરમાં વન વિભાગ અને જિલ્લાના અન્ય વહીવટી વિભાગોના અધિકારીઓ સક્રિય જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને જિલ્લા વહીવટીતંત્ર સુરક્ષા અને વ્યવસ્થા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યું છે.