રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેમેરા, કલા અને કલમની સંગાથે પ્રકૃતિનું જતન

10:52 AM Mar 19, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ફોટોગ્રાફી ક્ષેત્રે અનેક પુરસ્કારો, દેશ-વિદેશમાં કલા પ્રદર્શનો તેમજ વિવિધ સામયિકો, વર્તમાનપત્રોમાં છપાય છે ચૌલાબેન દોશીની રચનાઓ

Advertisement

વૃક્ષોની જાળવણી કરશો તો ઇકો સિસ્ટમ બેલેન્સ રહેશે, પશુ-પંખીને તમારા મિત્રો બનાવો અને પર્યાવરણ જાળવણીમાં તમારું નાનકડું યોગદાન આપો: ચૌલા દોશી

"અમે એક વખત જીપ્સીમાં જંગલમાં જતા હતા. રસ્તા વચ્ચે એક વાઘણ બિન્દાસ ચાલીને જતી હતી.જિપ્સી જોઈને પણ તે દૂર ન ગઈ એટલે અમને થયું કે નજીકમાં જ ક્યાંક તેના બચ્ચા હોવા જોઈએ. સામાન્ય રીતે એ જ્યારે શિકાર કરીને આવે ત્યારે ખાસ પ્રકારનો અવાજ કરે છે,આવો જ અવાજ એણે કર્યો અને અમારા આશ્ચર્ય વચ્ચે એક પછી એક ચાર બચ્ચા બહાર આવ્યા.અમને તો જાણે લોટરી લાગી. ચારેય બચ્ચા એક પછી એક વાઘણને ભેટતા, વ્હાલ કરતા એકબીજામાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે અમારી હાજરીને પણ અવગણી.માતા અને બચ્ચાનું આવું મિલન જોઈને આંખમાંથી આંસુ વહી ગયા.એ મૂંગા જીવની સંવેદના પણ મનુષ્ય જેવી જ હોય છે. ફોટોગ્રાફી કરતી વખતે આવા દ્દશ્યો જીવનમાં યાદગાર સાબિત થાય છે.” આ શબ્દો છે આર્ટ, ફોટોગ્રાફી અને લિટરેચરમાં આગવું નામ ધરાવનાર અમદાવાદના ચૌલા દોશીના.

જૂનાગઢના માણાવદર ગામમાં જન્મ થયો. કોલેજનું શિક્ષણ રાજકોટ ખાતે લીધું. બાળપણમાં નાના ગામડામાં કુદરતની સમીપ વિતાવેલા સમયનું તેમની કારકિર્દીમાં ખૂબ જ મહત્વ રહ્યું છે.તેઓ માને છે કે કુદરત તમને સંવેદનશીલ બનાવે છે. તેમના માતા ડ્રોઈંગમાં નિપુણ હતા એટલે જાણે કલાનો એ વારસો દીકરીમાં પણ ઉતર્યો. નાનપણમાં તેઓને ડ્રોઈંગ કરવું ગમતું,થોડા પેઇન્ટિંગ્સ પણ બનાવ્યા હતા. લગ્ન બાદ અમદાવાદ રહેવાનું બન્યું ત્યારે કલાને એક નવી કેડી મળી.કુવૈતની એક કંપનીમાં જોબ મળી જેમાં કંપની અને કલાકારો સાથે સેતુરૂૂપ બનતા તેઓએ આઠેક વર્ષ કામ કર્યું પરંતુ દીકરો નાનો હતો અને તેના વિઝા ન મળતા તેઓએ નોકરી છોડી ભારતમાં કામ શરૂૂ કર્યું.પોતાના કામ માટે તેઓને જંગલમાં જવાનું થતું. જેમ જંગલમાં જતા ગયા તેમ તેમ જંગલ સાથેનું આકર્ષણ વધતું ગયું.પ્રારંભના દિવસોમાં ટ્રાવેલ ફોટોગ્રાફી,સ્ટ્રીટ ફોટોગ્રાફી કરતા હતા. છેલ્લા એક દાયકામાં તેઓએ ફોટોગ્રાફીમાં અનેક પુરસ્કારો મેળવ્યા છે. પુરાતત્વીય ફોટોગ્રાફી, આદિવાસી ફોટોગ્રાફી, મુસાફરી, પર્યટન ફોટોગ્રાફી અને વન્યજીવન ફોટોગ્રાફી તેમજ દસ્તાવેજીકૃત ક્ષેત્રોમાં ઘણા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે.તેમની કલાકૃતિઓ અને ફોટોગ્રાફસ ઘણા ઇન્ટિરિયર ડિઝાઇનરો દ્વારા ઘરોમાં સજાવટ તરીકે મૂકવામાં આવ્યા છે.

પ્રકૃતિને દિલ ફાડીને પ્રેમ કરનાર ચૌલાબેન જણાવે છે કે, "વાઇલ્ડ લાઇફ તમને કમ્ફર્ટ ઝોનની બહાર જીવતા શીખવે છે. જંગલમાં ફરતી વખતે ખાવા,પીવા,રહેવાની વ્યવસ્થા ન હોય ત્યારે કુદરત સાથે તમારે તાલમેલ બેસાડવો પડે છે. લાઈટ,પંખા,વાઇફાઇ,ટેલિવિઝન વગરની પણ એક જિંદગી હોય છે જેની મજા અલગ છે. મારા માટે આ પેશન છે.” એક ફોટોગ્રાફ લેવા માટે કલાકો,દિવસો અને ઘણી વખત મહિનાઓ પણ પસાર થઈ જાય છે આવા સમયે તમારા ધીરજની કસોટી થાય છે. કુદરત તમારામાં ધૈર્ય શક્તિ વિકસાવે છે.

ભારતભરના જંગલો તેમજ વિદેશના જંગલોમાં પણ તેઓ ફર્યા છે ત્યારે જંગલો વિશે તેઓ જણાવે છે કે,સ્ત્રસ્ત્રદરેક જંગલને પોતપોતાની બાયો ડાઈવર્સિટી હોય છે. ક્યા જંગલમાં કયું પ્રાણી વસવાટ કરી શકે તે ખૂબ જ વિચાર માગી લે તેવી વસ્તુ છે કારણ કે દરેક પ્રાણી કે પંખી દરેક જંગલમાં સર્વાઇવ કરી શકે તેવું નથી.તેના ઉપર વાતાવરણ, આસપાસની જીવ સૃષ્ટિ, વૃક્ષો વગેરે અસર કરે છે.

બાળપણની મધુરી સ્મૃતિ યાદ કરતા તેઓ જણાવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ત્યારે પશુ-પંખીનો નાદ, વૃક્ષોની લીલીછંદ વનરાઈ વચ્ચે રહેતા ત્યારે ઘરમાંથી સાપ પણ નીકળતા પરંતુ એટલો ડર નહોતો લાગતો. અત્યારે લોકો સાપને જોઈને તરત મારી નાખે છે જે યોગ્ય નથી કોઈપણ વન્યજીવ હોય ચાહે સિંહ હોય,વાઘ હોય કે સાપ હોય જ્યાં સુધી તમે એ જીવને છંછેડતા નથી ત્યાં સુધી તે એટેક કરતા નથી. માટે દરેક જીવ પ્રત્યે કરુણા રાખો.
એક વખત કેરાલાના જંગલમાં બર્ડ ફોટોગ્રાફી કરતી વખતે જળો ચોંટી ગઈ હતી અને જળો જ્યારે મનુષ્યને ચોંટે ત્યારે લોહી ચૂસી લેતી હોય છે પરંતુ ફોટોગ્રાફીમાં તેઓ એટલા બધા તલ્લીન હતા કે જળો ચોંટી તે ખ્યાલ જ ન આવ્યો. જંગલમાંથી પાછા ફર્યા ત્યારે જોયું તો કપડાં લોહી લુહાણ થઈ ગયા ત્યારે ખ્યાલ આવ્યો અને પછી ઘણા દિવસ સુધી ઇન્ફેક્શન લાગ્યું, એન્ટિબાયોટિક લેવી પડી આવી અનેક ચેલેન્જીસ આવતી હોય છે જેમાં પ્રકૃતિ તમને વધુ ને વધુ મજબૂત બનાવે છે.

તેઓએ સમગ્ર ભારતમાં તેમજ કુવૈત, યુકે અને સ્પેન જેવા વિદેશી દેશોમાં પોતાના 58 જેટલા કલા પ્રદર્શનો કરીને એક પ્રશંસનીય કલાકાર તરીકે ખ્યાતિ મેળવી છે. 15-18 વર્ષથી વધુ સમય સુધી કલાનો અભ્યાસ કરતી વખતે તેઓ સાથે ફોટોગ્રાફીનો અભ્યાસ કરતા હતા. કલામાં આટલા લાંબા સમય સુધી કામ કર્યા પછી, તેણીએ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પણ પોતાની નોંધપાત્ર હાજરી બનાવી છે.અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે. સાહિત્યમાં પણ તેમનું અમૂલ્ય યોગદાન છે. તેમની વાર્તા અનેક સામાયિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે તેમજ કલાને લગતી તેમની કોલમ પણ ખૂબ જ લોકપ્રિય બની છે. કેમેરા-કલમ અને પીંછી સાથે કામ કરતા ચૌલાબેનનું ક્યુ કામ શ્રેષ્ઠ છે તે કહેવું અઘરું છે. આર્ટ અને ફોટોગ્રાફીમાં હજુ વધુ ને વધુ કામ કરવાનું તેમનું સ્વપ્ન છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિશ્વ ચકલી દિવસનો સંદેશ
પર્યાવરણ અને પશુ-પંખીઓની જાળવણી માટે તેઓ શાળા કોલેજોમાં જઈને વર્કશોપ પણ લે છે આ બાબત તેઓએ જણાવ્યું કે, આવતીકાલે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે આપણે સૌ ફરિયાદ કરીએ છીએ કે ચકલી દેખાતી બંધ થઈ ગઈ છે પરંતુ ફક્ત ચકલી જ નહીં અનેક બીજા પંખીઓ પણ આપણને જોવા મળતા નથી. આજે આપણે વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ તો જે તે વૃક્ષ પર વસવાટ કરતા પંખીઓ ક્યાંથી જોવા મળે? વૃક્ષોની જાળવણી કરશો તો ઇકો સિસ્ટમ બેલેન્સ રહેશે. આવનારા સમયમાં આપણા બાળકોને અમુક પંખીઓ વિશે તો ખબર જ નહીં હોય.પર્યાવરણની જાળવણી કરો. પશુ પંખીને તમારા મિત્રો બનાવો અને પર્યાવરણ જાળવણીમાં તમારું નાનકડું પણ યોગદાન આપો.

Wrriten By: Bhavna Doshi

Tags :
gujaratUDAN
Advertisement
Advertisement