સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે ઉદભવેલા વિવાદને લઈને તેમણે પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. જેમાં સમિતિના 10થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હાજર લોકોએ સોમનાથ મંદિરના સેક્રેટરી અને અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઇની કાર્યપદ્ધતિ સામે રોષ ઠાલવ્યો હતો.
બેઠક પૂર્ણ થયા બાદ પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ જણાવ્યું હતું કે, કોરિડોર મુદ્દે અમે અગાઉ મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મળ્યાં હતા. મુખ્યમંત્રી આજે સોમનાથ આવ્યા છે ત્યારે અમે ફરી તેમની સાથે મુલાકાત કરી. આ બેઠકમાં કલેક્ટર સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અમે રુબરુ મળીને અમારી લાગણી અને માંગણી મુખ્યમંત્રીને જણાવી છે. સોમનાથ ટ્રસ્ટ દુકાનદારો માટે વૈકલ્પિક જગ્યા આપે છે તો અમારી જમીન છે તો અમને પણ વૈકલ્પિક જગ્યા આપો.
બાલાભાઈ શામળાએ કહ્યું કે, ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટમાં કેશુબાપા હતા, પી.કે. લહેરી પણ સેક્રેટરી રહી ગયા પણ જ્યારે કોઇ પ્રશ્ન ઉભો થાય તો તેઓ ગામના લોકોને મળી તેમને સાથે રાખીને તેનો ઉકેલ લાવતા હતા. પરંતુ જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઇ આવ્યા ત્યારથી ગામ અને મંદિરને અલગ અલગ કરી દેવામાં આવ્યું. સ્થિતિ એવી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે ગામ લોકો સાથે એક પણ મિટિંગ કરી નથી, ગામના પાંચ આગેવાનોને પણ બોલાવ્યા નથી. આજે તેના કારણે તંત્ર અને સરકાર સામે ઘર્ષણ ઉભું કરી દીધું. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે યોગેન્દ્ર દેસાઇનો વિકલ્પ વિચારવો જોઇએ. મુખ્યમંત્રીએ અમારી બધી રજૂઆતો સાંભળી છે અને તેનું સંતોષકારણ નિરાકરણ લાવીશું તેવી ખાતરી આપી છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી મિટિંગમાં કોઇ હાજર ન હતું, માત્ર કલેક્ટર હાજર હતા.
બેઠકમાં હાજર રહેલા તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન તુલજાશંકર જાનીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે સુચારુ રૂૂપે વાતચીત થઈ અને ખાસ કરીને એમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ થોડું મૂલ્યાંકન આ પ્રભાસ ક્ષેત્રનું કરાવ્યું હતું. અને ઘણા બધા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કાંઈ પણ એમનો પ્રોજેક્ટ છે ,તેમાં સુચારુ રૂૂપે આગળ વધી શકાય. વર્તમાન પરિસ્થિતિને અમુક જે કાંઈ પણ મધ્યસ્થીઓ છે, જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂૂપે સંપર્ક ન સાધી શકાતો હોવાથી, જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે.તેમણે કહ્યું કે, કારણ કે છેલ્લા 20 દિવસથી જે રીતે પ્રશાસનને પ્રેસર થતું હોય કે એવી કોઈ ખબર નથી, પણ જે પ્રશાસનનો જે વ્યવહાર હતો. ગામ પ્રત્યે એ ક્યાંક ને ક્યાંક દબાણવાળો લાગતો હતો. હવે આ બધી પ્રશ્નો જે થતા હતા તો એના માટે બાંહેધરી આપી છે કે આવું નહીં થાય