ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટુ રાહત પેકેજ આપવા તૈયારી, સાંજે બેઠક
આવતીકાલની કેબિનેટમાં નિર્ણાયક જાહેરાત કરવા ધમધમાટ
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીની સહાય ચૂકવવાના બદલે ધિરાણ માફીની વ્યાપક માંગણી ઉઠી રહી છે. ત્યારે પાલિકા-પંચાયતોની ચૂંટણી પૂર્વે ચોતરફથી ઘેરાયેલી સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટુ રાહત પેકેજ ચૂકવવા તૈયારી શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાનના પગલે, રાજ્ય સરકાર સક્રિય બની છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઈને નુકસાનીનો જાત તાગ મેળવ્યો હતો. આ મુલાકાત બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, તેમજ કૃષિ વિભાગના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર, રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ 16,000 ગામડાંમાં પાક નુકસાની અંગેના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીમાં ચાર હજારથી પણ વધુ કર્મચારીઓ જોડાયા હતા અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ સર્વેના આંકડાઓને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાહત પેકેજ અંગેની ફોર્મ્યુલા ઘડવા માટે બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના દિગ્ગજો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, આજે સાંજ સુધીમાં ખેડૂતોને અપાનારા રાહત પેકેજ અંગેની ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવશે. સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે. આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.